ગરૂડની ગરબીમાં રાંદલ માતાનો રાસ લોકોને ભાવ વિભોર કરે છે
માતાજીની ભક્તિનું પર્વ નવરાત્રિના પાવન પર્વમાં આધુનિક દાંડિયારાસના આયોજનોથી અલગ પ્રાચીન ધાર્મિક, સાંસ્કૃતિક પરંપરાને બરકરાર રાખીને યોજાતી પ્રાચીન ગરબીઓ સર્વાધિક લોકપ્રિય રહી છે. રાજકોટમાં પાંચસોથી વધુ સ્થળે યોજાતી ગરબીમાં અર્વાચીન દાંડિયારાસથી વધુ લોકો ભક્તિભાવ સાથે ઉમટી રહ્યા છે અને દરેક ગરબીની આગવી વિશેષતા, આગવી કથા હોય છે. જેમાં શહેરની પ્રચલિત ગરૂડની ગરબી 127 વર્ષથી રામનાથપરામાં યોજાઈ રહી છે. 75 વર્ષ પહેલા ઈ.1947માં આ ગરબી માટે સુંદરભાઈ નામના એક કારીગરે લાકડાનું ગરૂડ બનાવી આપ્યું અને ત્યારથી ગરૂડની ગરબીએ અનેરૂં આકર્ષણ ઉભુ કર્યું છે. રાજકોટ જ્યારે રાજ્ય હતું ત્યારે રામનાથપરા વિસ્તારમાં અંબામાનો ગઢ હતો, ગઢ પર સિપાહીઓ ચોકીપહેરો કરતા અને ત્યાં મા અંબાજીની સ્થાપના થયેલી ત્યારથી આ ગરબી યોજાય છે, તે સમયે લાઈટ ન્હોતી અને ફાનસ લઈને ગરબી રમાડવામાં આવતી. આ વખતે ગરૂડમાંથી અંબાના અવતારસમી 37 નાની બાળાઓ ગરૂડમાંથી ઉતરતી હોવાનું ભવ્ય દ્રશ્ય ઉપરાંત હુડો રાસ, નડિયાદી ફુદેડી, ત્રિશૂલ રાસ, મશાલ, સ્ટેચ્યુ, ઘુમટા, સિંઘી રાસ ખૂબ પ્રચલિત છે. ગરૂડની ગરબીમાં રાંદલ માતાના રાસ લોકોને ભાવ વિભોર કરે છે.