પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુધારો થયો, જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધવાથી માટી મુલાયમ બની
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંબળાશ ગામે રહેતા મગનભાઈ લાલજીભાઈ ભલાણી પ્રાકૃતિક ખેતીમાં ઝંપલાવી કેરીનું સારું એવું ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની આવક મેળવતા થયા છે.
- Advertisement -
પ્રાકૃતિક ખેતી કરતા મગનભાઇએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી શિબિર માસ્ટર ટ્રેનરની તાલીમ લીધા પછી 100 ટકા પ્રાકૃતિક કૃષિમાં ઝંપલાવ્યું હતું. હું પહેલા 7 એકરમાં જમીનમાં રસાયણિક ખેતી કરતો હતો. રસાયણિક દવા ખાતરનો ઉપયોગ કરતો તેના લીધે આંબા પાકમાં શરૂઆત સારું ઉત્પાદન મળ્યું અને પછી ઉત્પાદન ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું. જેથી અમારું જીવન નિર્વાહ પાક ધિરાણ અને પશુપાલન ઉપર ચાલવા લાગ્યું હતું. પરંતુ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરતા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળતું થયું છે. જેના કારણે આવકમાં પણ વધારો થયો છે.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદાનના સતત ઉપયોગથી જમીન ભરીભરી અને પોચી બની, અળસિયા અને બેક્ટેરિયાનું પ્રમાણ વધ્યું જેથી જમીન ફળદ્રુપ બની છે. આથી આંબા વાવેતરમાં બે હાર વચ્ચે ધોળિયા કર્યા છે. આંબા થડમાં ધૂળ ચડાવેલ છે. જેથી આંબાને પાણી નો લાગે અને પ્રાકૃતિક ખેતીથી આંબાના બગીચામાં મધમાખી અને રાફડાઓનું પ્રમાણ જોવા મળે છે. પ્રાકૃતિક ખેતીમાં આંબાની સાથે શેરડી, ચણા, મગ, અડદ અને ઔશધિયનું વાવેતર કરી મૂલ્યવર્ધન કરીને વેચાણ પણ કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુધારો થયો, ટપક પધ્ધતિથી, આચ્છાદાનથી જમીન પિયતની સમસ્યાનો હલ થયો છે. પાકની ગુણવતામાં સુધારો જોવા મળ્યો છે. જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધવાથી માટી મુલાયમ બની છે. જમીનમાં અળસિયા જોવા મળે છે. આથી પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે વધુ આવક થઈ છે.



