રૂ.10 લાખ વેરાની વસુલાત માટે કાર્યવાહી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર પાલિકા તંત્ર દ્વારા શહેરની 20 સરકારી શાળાઓ પર બાકી રહેલા મિલકત વેરા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ શાળાઓ પર કુલ રૂ. 10 લાખનો વેરો બાકી છે, જેમાંથી કેટલાક મિલકત કર 2 વર્ષથી લઈને 8 વર્ષ સુધીના સમયગાળા માટે બાકી છે. શહેરની કેટલીક શાળાઓ જર્જરિત હાલતમાં હોવા છતાં તેમના વેરા ચૂકવવામાં આવ્યા નથી. સાથે જ, કેટલીક સ્કૂલ બંધ હાલતમાં હોવા છતાં તેમના બિલ્ડિંગનો વેરો બાકી છે.
- Advertisement -
પાલિકાએ આ તમામ શાળાઓને નોટીસ પાઠવી વેરો વહેલી તકે ભરવાની સૂચના આપી છે. પાલિકા તંત્રના હાઉસ ટેક્સ વિભાગે આ શાળાઓને મળેલા નોટીસ પર સીલ મારવાની કાર્યવાહીનો ઇશારો આપ્યો છે. જો આ શાળાઓ વહેલી તકે વેરો નહીં ભરે તો શુક્રવારે બપોર પછી સીલ મારવાની પ્રક્રિયા શરૂ કરાશે. પાલિકાએ તમામ મિલકત ધારકોને અપીલ કરી છે કે તેઓ વેરો તરત જ ભરી દે, નહીં તો કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.