12 જ્યોતિર્લિંગ, 4 ધામની યાત્રા 15 વર્ષે પૂર્ણ થશે સૌરાષ્ટ્રના બે જ્યોતિર્લિંગ પૂર્ણ કરી રાજકોટમાં આગમન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
માત્ર 17 વર્ષની ઉંમરે સંન્યાસ દિક્ષા ગ્રહણ કરી પથિક મુનિ બની જતા યુવા પથિક મુનિ અનોખી અને આકરી શિવવંદના કરી રહ્યા છે. હાલ તેઓ 12 જ્યોતિર્લિંગ, 4 ધામની દંડવત્ યાત્રા કરી રહ્યા છે, જે 15 વર્ષે પૂર્ણ થશે ત્યારે સૌરાષ્ટ્રના બે જ્યોતિર્લિંગ પૂર્ણ કરી યુવા પથિક મુનિ સ્વામી રાજકોટ ખાતે પધાર્યા છે. શિવવંદના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. યશવંત ગોસ્વામી અને બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું અને આર્થિક અનુદાન આપવા રાજકોટની જનતાને અપીલ કરી છે.
પથિક મુનિ સ્વામીએ સૌરાષ્ટ્રના પરિભ્રમણ દરમિયાન જાન્યુઆરી 2023માં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ડુંગરેશ્ર્વર મહાદેવ મંદિરમાં સતત 1 વર્ષ દેવાધિદેવ મહાદેવની પૂજા-પાઠ ભક્તિ અને સાધના કરી. 12 જ્યોતિર્લિંગમાં સૌથી પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવાનો સંકલ્પ ડુંગરેશ્ર્વર મહાદેવના સાંનિધ્યમાં સાકાર કરવાની તક મળી. આમ પ્રેરણા કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન થઈ અને સંકલ્પને સાકાર કરવાની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી થઈ હતી ત્યારે એમની ઉંમર 34 વર્ષની હતી. સ્વામીજી જણાવે છે કે લગભગ 50 વર્ષની ઉંમરે 12 જ્યોતિર્લિંગ, 4 ધામની યાત્રા પૂર્ણ થશે. ઢાંકથી 130 કિ.મી. દૂર સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ 2 મહિના બાદ સોમનાથ દર્શન કરી ત્યાંથી દ્વારકા 230 કિ.મી. પ્રસ્થાન કરી વચ્ચે ખીમેશ્ર્વર મહાદેવ કુછડી પોરબંદર 41 દિવસ સુધી પંચધૂની સાધના કરી સોમનાથથી દ્વારકા 5 મહિના બાદ રણછોડરાયના દર્શન બાદ નાગેશ્ર્વર જ્યોતિર્લિંગના દર્શન બાદ મહાકાલેશ્ર્વર જ્યોતિર્લિંગ દર્શન માટે નીકળી વર્તમાનમાં રાજકોટમાં પહોંચ્યા છે. એમની આ યાત્રા આશરે દસ હજાર કિ.મી.ની છે. વહેલી સવારે દંડવતયાત્રા શરૂ કરી દરરોજ 3 કિ.મી. યાત્રા થાય છે જેમાં આશરે 6 કલાકનો સમય લાગે છે. યુવાન વયે એમની આ યાત્રા યુવાનો માટે પ્રેરણાદાયી છે. ભારતના ઈતિહાસમાં હજુ સુધી કોઈએ પગપાળા આ યાત્રા કરી નથી. દંડવતયાત્રા તો ખૂબ દૂરની વાત છે. દરેક જ્યોતિર્લિંગમાં રાષ્ટ્રધ્વજ લહેરાવશે.