પોરબંદરના લોકમેળામાં સખી મંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે 13 સ્ટોલ ફાળવાયા
લોકમેળામાં 250 જેટલા સીસી ટીવી કેમેરા, ખોવાયેલા બાળકો માટે રાવટીની વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં પાંચ દિવસના જન્માષ્ટમીના લોકમેળાના આયોજનને લઇને વહીવટીતંત્ર અને નગરપાલિકાનું તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. મેળા કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સંદિપ જાદવની ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.પોરબંદર શહેરમાં ચોપાટી ખાતે ઘૂઘવતા સમુદ્ર કિનારે આગામી તા. રપથી ર9 ઓગષ્ટ સુધી પાંચ દિવસનો સૌરાષ્ટ્રનો ખ્યાતનામ લોકમેળો પ્રતિ વર્ષની જેમ આ વર્ષે યોજાનાર છે. આ લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટીતંત્ર અને નગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
પોરબંદરના લોકમેળામાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે 13 જેટલા સખી મંડળના સ્ટોલ ફાળવવામાં આવશે. 1 સાહસનો કૂવો, 9 ચકડોળ, 17ર રમકડાના સ્ટોલ, 7 મોટા ફૂડ સ્ટોલ, 103 અન્ય નાના-મોટા ફૂડ સ્ટોલ, સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટેના 1પ સ્ટોલ અને બાળકોના મનોરંજન માટે 13 કિડ્સ ઝોન સ્ટોલ ફાળવવામાં આવશે. આ લોકમેળામાં 4ર સ્ટ્રીટલાઈટના મોટા ટાવર લગાવવામાં આવશે અને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં 7 એક્ઝીટ ગેઈટ હશે. લોકમેળામાં 250 જેટલા સીસી ટીવી કેમેરા, ખોવાયેલા બાળકો માટે રાવટીની વ્યવસ્થા અને લોકોની સુરક્ષા માટે 1ર જેટલા ટાવર લગાડાશે. ઉપરાંત લોકોની સુરક્ષા માટે સિક્યુરીટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને દરરોજ રાત્રીના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવવામાં આવશે.
મોબાઈલ ચીલઝડપ અને વાહનોની થતી ચોરી અટકાવવા એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્ક્વોડ, એલ.સી.બી. સહિત 11 પોલીસ જવાનોની ટીમ તૈનાત રહેશે અને પાંચ વોચ ટાવર પર તૈનાત રહી પોલીસ સતત મેળા ગ્રાઉન્ડ પર ચાંપતી નજર રાખશે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસની 6 સી ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં દરેક ટીમમાં 1 પી.એસ.આઈ. અને 4 મહિલા પોલીસ કર્મચારી ફરજ બજાવશે. બે ડી.વાય.એસ.પી., 7 પી.આઈ., 30 પી.એસ.આઈ. સહિતના 81પ પોલીસ કર્મચારીઓ જન્માષ્ટમીના લોકમેળામાં લોકોની સુરક્ષા માટે સેવા આપશે અને લોકોના આરોગ્યની સુખાકારી માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ એફ.એસ.ડબલ્યુ. વાન સાથે ફરજ પર રહેશે. જન્માષ્ટમીના લોકમેળામાં પણ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે 1પ જેટલા સ્ટોલ ફાળવવાની સાથોસાથ સખી મંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે 13 સ્ટોલ તેઓને ફાળવવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.