ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માણાવદર તાલુકામાં બે શહેરો અને 57 ગામડા સહિત ઘેડ પંથકનું પરિવહનનું મુખ્ય સાધન એસટી બસ જ છે. પરંતુ જુનાગઢ વિભાગના બાંટવા ડેપો માંથી અનેક રૂટો બંધ કરી દેવાતા મુસાફરોનો મુસાફરી કરવા માટે ફરજિયાત રઝળપાટ કરવો પડે છે.
ત્યારે માણાવદર તાલુકાના બાંટવા ખાતેથી દરરોજ 5 થી 6 જેટલી ખાનગી બસો સુરત, બરોડાના રૂટ પર દરરોજ દોડી રહી છે પરંતુ એસટી ની એક પણ બસ સુરત કે બરોડા જેવા લાંબા રૂટો પર દોડતી નથી ત્યારે એક બાજુ એસટી તંત્ર વધુ બસ, સારી બસ અને સમયબધ્ધની વાતો કરી રહી છે ત્યારે માણાવદર તાલુકા ને જ લાંબા રૂટ બાબતે અન્યાય થઈ રહ્યો છે. ત્યારે આ રૂટ પર તાત્કાલિક એસટી બસો શરૂ થાય તે માટે મુસાફરો માંગ કરી રહ્યા છે. માણાવદર તાલુકાના લોકોને સારી એસટી સુવિધા મળી શકે તે માટે સવારની 4 કલાકે ઉપડતી બાંટવા અમદાવાદ, તેમજ સુરત, બરોડા ઉપરાંત રાત્રે 9:00 કલાકે ઉપડતી બાંટવા – અમદાવાદ અને બાંટવા – નારાયણ સરોવરના રૂટમાં સ્લીપર કોચ બસ ફાળવવામાં આવે તે માટે માણાવદર શહેર ભાજપ મહામંત્રી નીરજ જોશી એ પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.