ઉત્સવની ઉજવણીમાં નિરાશા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર અને છાંયા નગરપાલિકા મર્જ થયા પછી પોરબંદરના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓએ ચડત પગારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને તહેવારોના સમયગાળામાં, જ્યારે દરેક પરિવાર ઉત્સાહથી ઉત્સવની તૈયારીમાં વ્યસ્ત હોય છે, ત્યારે આ કર્મચારીઓ પોતાના પગાર વિના તહેવાર ઉજવવા માટે મજબૂર બનતા દેખાઈ રહ્યા છે. જન્માષ્ટમીનો તહેવાર નજીક છે, અને પોરબંદર નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝના કર્મચારીઓ હજુ સુધી તેમના મહેનતના પગારનો ભરોસો મેળવી શક્યા નથી. પરિણામે, તેમના પરિવારજનોમાં તહેવારની ઉજવણીને લઈને ઉત્સાહને બદલે નિરાશા વ્યાપી ગઈ છે.
- Advertisement -
સામાજીક કાર્યકર દિલીપભાઈ લીલાધરભાઈ મશરૂએ જણાવ્યુ છે કે, “કોન્ટ્રાક્ટ બેઇઝના કર્મચારીઓના પગાર સમયસર ચૂકવવામાં આવે તો તેઓ પણ આ ઉત્સવને આનંદથી ઉજવી શકે.” તેમણે નગરપાલિકા સંચાલકોને આ સમસ્યાના ઝડપી નિરાકરણની માંગ કરી છે. છાંયા નગરપાલિકા અને પોરબંદર નગરપાલિકા મર્જ થયા પછી, પગારને લઈને આવી સમસ્યાઓ વધારે તીવ્ર બની છે. અગાઉ છાંયા નગરપાલિકામાં ક્યારેય પગારની વિલંબિત ચુકવણી થઈ ન હતી, પરંતુ હવે પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝના કર્મચારીઓના પગાર સમયસર ચૂકવવામાં આવતા નથી.આ સમસ્યાનો સામાધાન કરવામાં નાગરિકો દ્વારા તાકીદે પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે, જેથી આ કર્મચારીઓ પણ તહેવારનો આનંદ લઈ શકે.