નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા ધ્વજારોહણ તથા પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના બાળકો દ્વારા દેશભક્તિથી તરબોળ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પુજીત રૂપાણી ટ્રસ્ટના પટાંગણ ‘કિલ્લોલ’ ખાતે 78માં સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ભાજપના અગ્રણી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજના વરદહસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ તથા ટ્રસ્ટના બાળકો દ્વારા દેશભક્તિથી તરબોળ એવા એકથી એક ચડિયાતી કૃતિઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, વંદનાબેન ભારદ્વાજ, પૂર્વમેયર ડો. જયમીનભાઈ ઉપાધ્યાય ટ્રસ્ટના વરિષ્ઠ કાર્યકર્તા સી. કે. બારોટ, મુકેશભાઈ મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આજના આ કાર્યક્રમના અધ્યક્ષ તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણીએ સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલું કે આ દેશે અંગ્રેજોના 200 વર્ષના શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવા દેશના અનેક શૂરવીરોએ પોતાના જાનની આહુતિ આપી શહીદી વહોરીને આ દેશને ગુલામીની જંજીરમાંથી મુક્ત કરી આ અનમોલ સ્વતંત્રતા અપાવી છે.
આ સર્વે સ્વાતંત્ર સેનાનીઓને નતમસ્તકે વંદન કરી તેમના બલિદાનની ગાથા વર્ણવી હતી.
આજે આ દેશે દરેક ક્ષેત્રે આર્થિક, સામાજિક, ટેકનોલોજી, સંરક્ષણ, અર્થતંત્ર લેવલે ખૂબ સારી પ્રગતિ કરી છે. આ દેશ એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રની કલ્પના સાથે આગળ વધી રહ્યો છે. આ દેશની આઝાદી માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ગુરુ ગોવિંદસિંહ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ વગેરેને યાદ કરી તેમની શહીદીને વંદન કર્યા હતા.
કાર્યક્રમના ખાસ મહેમાન નીતિનભાઈ ભારદ્વાજે ધ્વજારોહણ કરી ત્રિરંગાને સલામી આપી શુભેચ્છા પાઠવતા જણાવેલું કે આપણે જે આન, બાન અને શાનથી ત્રિરંગો લહેરાવી રહ્યા છીએ તે અનેક સ્વાતંત્ર સેનાનીઓની શહીદીને આધીન છે. આ તકે તેમણે સંખ્યાબંધ સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરી વંદન કરી તેમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. સ્વાતંત્ર સેનાનીઓનું સ્વપ્ન હતું કે આ દેશ આઝાદ થાય, આત્મનિર્ભર, સુરક્ષિત, શક્તિશાળી વિશ્ર્વ ગુરુ બને.
- Advertisement -
આજે આ દેશ મહાસત્તા બનવા આગળ વધી રહ્યો છે ત્યારે ઝડપથી સિદ્ધિઓના શિખરે બિરાજમાન થાય તે દિશામાં ખૂબ આગળ વધે તેમ શુભેચ્છા પાઠવી હતી તેમજ આ તકે નીતિનભાઈ ભારદ્વાજે પોતાના ભૂતકાળના સંસ્મરણ વર્ણવી જણાવેલ કે ટ્રસ્ટ માનવતાલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા અનેક જરૂરિયાતમંદ લોકોનું ભલુ કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે. અંતમાં ટ્રસ્ટ દ્વારા થઈ રહેલ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ટ્રસ્ટની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.