આરોપીઓને ફાંસી આપવાની માગ સાથે ડૉક્ટર્સનો ઉગ્ર વિરોધ
ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં રેસિડેન્ટ્સ ડૉક્ટર્સની હડતાળ, કહ્યું- આ ઘટના કોઈપણ સાથે બની શકે, સુરક્ષા વધારો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને ઘઙઉ તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. જો કે, ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે, રેસિડેન્ટ ડૉક્ટરો આવ્યા નથી. ડૉક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે. હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડૉક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટીસ, તાનાશાહી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ડૉક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 400 જેટલાં રેસિડેન્ટ ડૉક્ટરની હડતાળ
- Advertisement -
ઇમરજન્સી સિવાયની સેવાથી અલિપ્ત રહેશે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આશરે 400 જેટલા રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતરી ગયા છે. ઇમરજન્સી સિવાયની સેવાથી જુનિયર ડૉક્ટરો અલિપ્ત રહેશે. પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ડોકટર સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરાઈ હોવાના ક્રૂર બનાવને લઈ તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે. આ અંગે વિસ્તૃત માહિતી અનુસાર પશ્ર્ચિમ બંગાળના કોલકાતાની સરકારી આર.જી. કર હોસ્પિટલના સેમિનાર હોલમાં ગયા શુક્રવારે સવારે પોસ્ટ-ગ્રેજ્યુએટ કરતી ટ્રેની ડૉક્ટરની લાશ મળી હતી. જેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તપાસમાં દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું. જોકે, આ બનાવ બાદ દેશભરમાં ડૉક્ટરો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 400 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. આજે સવારે 9.30 વાગ્યાથી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ તમામ ડોકટર પીડિયુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. કોલેજ બહાર પ્રદર્શન કર્યું છે. સાંજે માર્ચ કાઢવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રેસિડેન્ટ ડૉક્ટરો આજે આખો દિવસ ઈમરજન્સી સિવાયની સેવાથી અલિપ્ત રહેશે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના મીડિયા કોર્ડીંનેટર અને ફોરેન્સિક વિભાગના વડા ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું કે, ઇમરજન્સી વિભાગમાં રેસિડેન્ટ ડોકટર સેવા પર છે. જેથી ત્યાંની સ્થિતિ રાબેતા મુજબ જ રહેશે. જ્યારે ઓપીડી સહિતના બીજા વિભાગોમાં દર્દીઓ માટેની સેવા ખોરવાઈ નહીં તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
એઇમ્સના ડૉક્ટર્સ પણ હડતાળ પર
રાજકોટ એઇમ્સ હોસ્પિટલ ખાતે પણ રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 100 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળમાં જોડાઇ વિરોધ નોંધાવી ઉગ્ર સૂત્રચ્ચાર કર્યા હતા. રાજકોટ એઇમ્સમાં પણ રેસિડન્ટ ડૉક્ટરો હડતાળ પાડી ઘઙઉ સેવાથી અળગા રહેશે.