ગત વર્ષ કરતાં 9 ટકાનો વધારો: પ્રવાસન મારફત વિદેશી હુંડીયામણ આવક 22.5 ટકા વધી
ભારતનો પ્રવાસન ક્ષેત્રે પણ દબદબો વધી રહ્યો છે. જાન્યુઆરીથી મે મહિના દરમ્યાન ભારતમાં 40.7 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા જે ગત વર્ષનાં આ સમયગાળામાં 37.3 લાખ હતા.
- Advertisement -
પાંચ માસમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 9.1 ટકાનો વધારો થયો હતો. આ સમયગાળા દરમ્યાન 1.1 લાખ કરોડની વિદેશી હુંડીયામણની આવક થઈ હતી તે ગત વર્ષે 88441 કરોડ હતી અને તેમાં 22.5 ટકાનો વધારો હતો. સંસદનાં ગત સપ્તાહમાં સમાપ્ત થયેલા ચોમાસુ સત્ર દરમ્યાન આ રિપોર્ટ રજુ કર્યો હતો. કોરોનાકાળમાં પ્રવાસન ક્ષેત્રને અસર અને ત્યારબાદની હાલત વિશે હાથ ધરાયેલા અભ્યાસની માહીતી પણ રજુ કરવામાં આવી હતી.
પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે એકલા મે મહિનામાં જ 6 લાખ વિદેશી પ્રવાસી આવ્યા હતા. જે સંખ્યા ગત વર્ષનાં મે મહિનામાં 5.9 લાખ હતી.17762 કરોડનું વિદેશી હુંડીયામણ મળ્યુ હતું જે મે 2023 માં 17206 કરોડની સરખામણીએ 3.2 ટકા થયુ હતું. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે પ્રવાસન ક્ષેત્રનાં વિકાસ માટે હાથ ધરેલા પગલાઓનો પોઝીટીવ પ્રભાવ રહ્યો છે. વિદેશી પ્રવાસીઓ તથા વિદેશી હુંડીયામણની આવક પ્રવાસન ક્ષેત્ર વિસ્તરતુ હોવાનું અને પ્રવાસમાં લોકો વધુ ખર્ચ કરતા હોવાનું સુચવે છે.
તેઓએ છેલ્લા ત્રણ વર્ષની આંકડાકીય માહિતી રજુ કરતા કહ્યું કે 2021 ના કોરોના કાળના વર્ષમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા માત્ર 10.5 લાખ હતી તે 2022 માં 85.9 લાખ થઈ હતી અને 2023 માં 1.9 કરોડે પહોંચી હતી. પ્રવાસન ક્ષેત્ર તથા હોસ્પીટાલીટી ઉદ્યોગ માટે સરકારે લીધેલા પગલાઓ પણ તેમણે વર્ણવ્યા હતા ટુર ઓપરેટરોને મદદ કરવા માટે લોન સ્કીમથી માંડીને ‘દેખો અપના દેશ’ જેવી યોજનાઓની વિગતો આપી હતી.