ભ્રષ્ટાચારથી અગ્નિકાંડ સુધીના મુદ્દાઓની ચર્ચા માટે સત્ર 10 દિવસનું રાખવા વિપક્ષોએ સૂચવ્યુ હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજયપાલ આચાર્ય દેવવ્રતે આગામી 21મીથી વિધાનસભાનું ચોમાસું ટુંકુ સત્ર બોલાવવા માટે આહવાન કર્યું છે.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાનાં તમામ સભ્યોને 21મી ઓગસ્ટે બપોરે 12 વાગ્યે શરૂ થતા સત્રમાં સભાગૃહમાં ઉપસ્થિત રહેવા જાણ કરી છે. મહત્વનું છે કે આગામી 21 થી 23 ઓગસ્ટના રોજ ત્રિદિવસ વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાનાર છે. અહીં નોંધવુ ઘટે કે, વિધાનસભાના સત્ર વચ્ચે 6 માસનો સમયગાળો રાખવાનું નિયત થયુ છે. જે મુજબ 28 ઓગસ્ટના રોજ અગાઉના વિધાનસભા સત્રની તારીખ પ્રમાણે 6 માસ પુરા થાય છે. જેથી રાજય સરકારે આગામી 21 થી 23 ઓગસ્ટના રોજ વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજવાનો નિર્ણય કર્યો હતો.
- Advertisement -
બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ચોમાસુ સત્રની અવધી ત્રણ દિવસના બદલે દસ દિવસ કરવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આ ત્રણ દિવસના સત્રમાં જ સરકારની જે કાર્યવાહી થવાની છે તે પૂર્ણ થઈ શકે તેમ હોવાથી સત્રને દસ દિવસનું કરવાની માંગણી સ્વીકારાઈ નથી. જોકે, વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ ત્રણ દિવસના સત્રમાં તાજેતરમાં ઘટેલી હરણી બોર્ડ દૂર્ઘટના, રાજકોટની ગેમઝોન, સુરેન્દ્રનગરમાં થયેલી બીન કાયદાકીય ખાણમાં મજુરોનાં મોત, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે વિધાનસભા ગજવવાની કોશીશ કરવામાં આવશે. રાજય વિધાનસભાની 182 બેઠકોમાંથી હાલ ભાજપ પાસે 161, કોંગ્રેસ પાસે 13, આપ પાસે 4 અને બે અપક્ષ થઈને કુલ સંખ્યા બળ 180 નું છે. જયારે એક બેઠક પરથી આપના ધારાસભ્યે રાજીનામું આપ્યુ છે. જયારે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી જીતતા તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપતા હવે આ બે બેઠકો પર ગમે ત્યારે પેટા ચૂંટણી યોજાશે.