આંગણવાડી પડી ગયાં બાદ છતે પૈસે નવી બંધાતી નથી !
સિદી આદિવાસી પરિવારોનાં ઉત્કર્ષ માટે આવેલી રૂ.1 કરોડ 58 લાખની ગ્રાન્ટ ધુળ ખાય છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.18
તાલાલા તાલુકાનાં માધુપુર-જાંબુર ગીર ગામના આદિવાસી પરિવારોનાં ઉત્કર્ષ માટે પી.એમ.જન મન તથા મુખ્યમંત્રી આદિમ જુથ સર્વાંગી વિકાસ યોજનાની કામગીરી માટે આવેલ રૂ.1 કરોડ 58 લાખની વિકાસ ગ્રાન્ટ અધિકારીઓની આળશ ને કારણે સરકારી તિજોરીમાં પડી પડી ધુળ ખાતી હોય ગરીબ અને પછાત સિદી આદિવાસી પરિવારો હતાશ થઈ ગયા છે.
માધુપુર ગીર ગામના કાર્યદક્ષ યુવા અગ્રણી વિજયભાઈ હિરપરા એ આપેલ વિગત પ્રમાણે જાંબુર ગીર ગામમાં એક જ બાળ આંગણવાડી હતી જેમાં ગામના 139 ભુલકા અભ્યાસ કરતા બાલવાડી જર્જરીત થતાં ડિમોલેશન કરી નવી બાલવાડી બનાવવા માટે રૂ.16 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ જેને બે વર્ષ થયાં પરંતુ નવી બાલવાડી બનાવવા કામગીરી શરૂ થતી નથી.સતાવાળાઓના પાપે ગામના ગરીબ પછાત 139 આદિવાસી બાળકો પ્રાથમિક શિક્ષણ વગર રઝળી પડયા છે.આ ઉપરાંત નદીના પુરના પાણી ગામમાં ઘુસી જાય નહીં માટે પુર સંરક્ષણ દિવાલ માટે આવેલ રૂ.87 લાખની ગ્રાન્ટ,આદિમ જુથ કોમ્યુનિટી હોલ બનાવવા રૂ.16 લાખ,સર્વિસ રોડ બનાવવા રૂ.13 લાખ સહિત સરકારે આદિવાસી પરિવારોનાં સર્વાંગી વિકાસ માટે રૂ.1 કરોડ 58 લાખની ગ્રાન્ટ ફાળવી પરંતુ સરકારી તંત્રના પાપે ગ્રાન્ટ બે વર્ષથી સરકારી તિજોરીમાં ધુળ ખાય છે. યુવા અગ્રણીએ ઉમેર્યું કે આવેલ ગ્રાન્ટની કામગીરી માટે એક વખત ટેન્ડર બહાર પાડ્યા જે કેન્સલ કરી નાખ્યાં બાદ ફરી ટેન્ડર બહાર પાડવાની કામગીરી ટલ્લે ચડી ગઈ છે.પરિણામે ગ્રાન્ટ સરકારી તિજોરીમાં ધુળ ખાતી હોય સરકારે ફાળવેલ ગ્રાન્ટનાં મીઠા ફળનાં સ્વાદથી ગરીબ પછાત સિદી આદિવાસી પરિવારો વંચિત હોય ગરીબ અને પછાત પરિવારોમાં સર્વત્ર નિરાશા છવાઈ ગઈ છે.ગીર સોમનાથ જિલ્લાના કાર્યદક્ષ કલેકટર આ અંગે ત્વરિત તપાસ કરી ગરીબ સિદી આદિવાસી પરિવારોનાં ઉત્કર્ષ માટે આવેલ ગ્રાન્ટનો લાભ ગ્રામજનોને અપાવવા પરીણામલક્ષી કામગીરી કરાવે તેવી માંગણી કરી છે.