મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 23 જુલાઈએ રજૂ થવાનું છે. પરંતુ શું તમે જાણો છો કે દેશનું બજેટ બનાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણને શું તૈયારીઓ કરવી પડશે?
ત્રણ તબક્કામાં તૈયાર થાય છે ભારતીય બજેટ
- Advertisement -
નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ 23 જુલાઈએ રજૂ થવાનું છે. ચૂંટણી પછી નવી બનેલી મોદી 3.0 સરકારનું આ પહેલું બજેટ પણ છે. તેથી, લોકોને આનાથી ઘણી આશા છે, પરંતુ શું તમે જાણો છો કે દેશનું બજેટ બનાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણને શું તૈયારીઓ કરવી પડશે? દેશનું બજેટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
આ વખતનું બજેટ ખૂબ જ ખાસ રહેવાનું છે, કારણ કે આ વર્ષે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ થવાનું છે. આ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રી-બજેટ બેઠકો કરી રહ્યા છે. આ બેઠકો બજેટની તૈયારીનો મહત્ત્વનો ભાગ હોય છે. બજેટની તૈયારી દરમિયાન, નાણામંત્રી મહેસૂલ વિભાગ, ઉદ્યોગ સંઘ, ખેડૂત સંઘ, વેપારી સંઘ, અર્થશાસ્ત્રી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરે છે. આ ઉપરાંત દેશના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અને સંગઠનો સાથે પણ વાતચીત કરવામાં આવે છે. બજેટની તૈયારી માટે વિવિધ મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થાઓ પાસેથી પણ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે.
બજેટ શબ્દની ઉત્પત્તિ
- Advertisement -
સૌથી પહેલા તો બજેટ શબ્દની ઉત્પતિ વિષે જાણીએ તો, ફ્રેન્ચ શબ્દ bougette પરથી બજેટ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે છે, તેથી નાણામંત્રી પણ તેમના દસ્તાવેજો ચામડાની થેલીમાં લઈને સંસદ પહોંચે છે. આ શબ્દ બ્રિટનમાં પ્રચલિત હતો અને ત્યારબાદ તે ભારતમાં પ્રચલિત થયો. ભારતીય બંધારણમાં બજેટનો સીધો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ બંધારણની કલમ 112 વાર્ષિક નાણાકીય નિવેદનની ચર્ચા કરે છે. આ કલમ હેઠળ સરકારે દર વર્ષે તેમની આવક અને ખર્ચનો હિસાબ આપવો ફરજીયાત છે. આ ઉપરાંત બજેટ રજૂ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે, પરંતુ તેઓ બજેટ રજૂ કરતા નથી. પરંતુ તેઓ કોઈ મંત્રીને તેમના બદલે બજેટ રજૂ કરવાનું કહી શકે છે. સામાન્ય રીતે બજેટ નાણામંત્રી રજૂ કરતા હોય છે પરંતુ 2019 માં એવું બન્યું હતું કે અરુણ જેટલી બીમાર હોવાથી પીયૂષ ગોયલે નાણામંત્રી ન હોવા છતાં બજેટ રજૂ કર્યું હતું.
આ રીતે થાય છે બજેટની તૈયારી
બજેટની તૈયારીમાં, આર્થિક બાબતોના વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે, જેમાં તમામ અંદાજિત નાણાકીય ખર્ચની માહિતી હોય છે. આ પછી, વિવિધ મંત્રાલયો વચ્ચે રકમની ચર્ચા થાય છે. ત્યારબાદ, નાણા મંત્રાલય અન્ય મંત્રાલયો સાથે બેઠક કરે છે અને એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરે છે. આ પછી, તમામ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ ભંડોળની ફાળવણી માટે નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરે છે. આ પ્રક્રિયા બજેટની તૈયારીનું એક મુખ્ય પાસું હોય છે, જેમાં અન્ય મંત્રાલયો અને નાણા મંત્રાલય વચ્ચે કરાર કરવામાં આવે છે.
ભારતમાં બજેટ કોણ તૈયાર કરે છે
ભારતમાં બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. તેને બનાવવામાં નાણા મંત્રાલયની સાથે નીતિ આયોગ અને ખર્ચ સંબંધિત મંત્રાલયો સામેલ છે. નાણા મંત્રાલય આ વિવિધ મંત્રાલયોની વિનંતી પર ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. આ પછી, બજેટ બનાવવાનું કામ નાણા મંત્રાલય હેઠળના બજેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
આ બાબત પર હોય છે સરકારનું મુખ્ય ફોકસ
સરકારની આવકના મુખ્ય સ્ત્રોત ટેક્સ, આવક, દંડ, સરકારી ફી, ડિવિડન્ડ વગેરે હોય છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ થતા કેન્દ્રીય બજેટ દ્વારા સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં રોકાણ, આવકના સ્ત્રોતમાં વધારો કરવાનો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો હોય છે. વધુમાં, સરકાર ગરીબી અને બેરોજગારી ઘટાડવાની યોજના બનાવે છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોકાણ કરે છે.
પ્રથમ તબક્કો
બજેટ સેક્શન બધા જ કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ, સ્વાયત્ત સંસ્થા વિભાગો, સશસ્ત્ર દળોને એક પરિપત્ર જાહેર કરે છે. જેમાં તેમને આગામી વર્ષ માટે અંદાજપત્ર તૈયાર કરવાની સૂચના આપવામાં આવે છે.
બીજો તબક્કો
આર્થિક બાબતોનો વિભાગ અને મહેસુલી વિભાગ આ સમય દરમિયાન ખેડૂતો, વેપારીઓ, અર્થશાસ્ત્રીઓ, નાગરિક સમાજ સંગઠનોનો સંપર્ક કરીને તેમના બજેટ અંગેના વિચારો જાણે છે. આ પ્રક્રિયા બજેટ પહેલા થતી હોય છે, જેથી તેને પ્રી-બજેટ ચર્ચા તરીકે ઓળખવામાં આવે છે. આ ચર્ચા બાદ નાણામંત્રી ટેક્સ અંગે અંતિમ નિર્ણય લે છે. તેમજ બજેટને આખરી ઓપ આપતા પહેલા તે અંગે વડાપ્રધાન સાથે ચર્ચા કરીને તેમને માહિતગાર પણ કરવામાં આવે છે.
ત્રીજો તબક્કો
છેલ્લા તબક્કામાં નાણા મંત્રાલય બજેટ નક્કી કરતી વખતે સામેલ તમામ વિભાગો પાસેથી આવક અને ખર્ચની રસીદો મેળવે છે. એકત્રિત કરવામાં આવેલા ડેટા પરથી આગામી વર્ષ માટે અંદાજિત આવક અને ખર્ચનો પ્લાન તૈયાર કરવામાં આવે છે. આ સિવાય સરકાર બજેટને અંતિમ સ્વરૂપ આપવા માટે ફરી એકવાર રાજ્ય, બેંકર્સ, કૃષિ ક્ષેત્રના લોકો, અર્થશાસ્ત્રીઓ અને વેપારી સંગઠનો સાથે બેઠક કરશે. જેમા, આ હિતધારકોને કર મુક્તિ અને નાણાકીય સહાય આપવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવે છે. છેલ્લે નાણા મંત્રાલય સંશોધિત બજેટ અંદાજના આધારે બજેટ ભાષણ તૈયાર કરે છે.
બજેટનો ઇતિહાસ
આઝાદી પછી ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જે પ્રથમ નાણામંત્રી શણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. ભારત પ્રજાસત્તાક બન્યા પછી, પ્રથમ કેન્દ્રીય બજેટ 28 ફેબ્રુઆરી 1950 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન, ભારતનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જે બ્રિટિશ સરકારના નાણાં મંત્રી જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.