ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા અંગેના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા પોરબંદર વીલા સર્કીટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સ્વચ્છતા, કેનાલ, પાણી, અનાજ વિતરણ અને આરોગ્ય સહિતના પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર, એસ.પી. ભગીરથસિંહ જાડેજા, અધિક કલેકટર રાજેન્દ્રસિંહ રાયજાદા અને રેખાબા સરવૈયા સહીત જિલ્લા કક્ષાના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં મંત્રીએ જિલ્લાના પ્રશ્નો અને બાકી કામો અંગે તલસ્પર્શી સમીક્ષા કરી હતી.
મંત્રીએ કેનાલના કામો, સિંચાઈ, અન્ન પુરવઠો, કૃષિ, વીજ પુરવઠો, આરોગ્ય તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની તાકીદપૂર્વક સમીક્ષા કરી હતી. અને જિલ્લાના અધિકારીઓને બાકી કામો ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી હતી.મુખ્યત્વે, મંત્રીએ પી.એમ.જે.વાય.આયુષ્માન કાર્ડ અને વીમા યોજનાના કાર્યાન્વયન, આરોગ્ય કેન્દ્રોના કામો, અને રાજ્ય તેમજ કેન્દ્રની ફ્લેગશિપ યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.