ગુજરાતીમાં કહેવત છે : ’કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી.’ એક વર્ષ સુધી કૂતરાની પૂંછડીને લોખંડની પોલી પાઇપમાં મૂકી રાખો પછી જ્યારે તેને બહાર કાઢો તો તે પાછી વાંકી જ થઈ જવાની. આવું જ મનુષ્યના સ્વભાવ વિશે માનવામાં આવે છે.સ્વાનુભવથી કહું છું કે આ વાત સ્થૂળ સંદર્ભમાં સાચી હશે, પરંતુ સૂક્ષ્મ સંદર્ભમાં સાચી નથી. જગતમાં બધું જ પરિવર્તનશીલ છે. મનુષ્ય પણ બદલાઈ શકે છે.
ઉંમર વધવાની સાથે જેવી રીતે તેનો ચહેરો, માથાના વાળ, દૃશ્યો જોવાની આંખની ક્ષમતા, ચામડી, હાથ-પગના સાંધા, આ બધું પહેલાંની જેવું રહેતું નથી તેવી જ રીતે મનુષ્યનો સ્વભાવ પણ જેમનો તેમ રહેતો નથી. તેનું વાંચન, તેના અનુભવો, તેની સોબત આ બધું બદલાતું રહે છે. ચોમાસામાં નદીમાં આવેલું નવું ડહોળું નીર સમય જતાં સ્વચ્છ બની જાય છે, વૃક્ષનાં પીળાં થયેલાં પર્ણો પાનખરમાં ખરીને ફરી પાછાં વસંત ઋતુમાં નવાં આવી જાય છે, આવું જ મનુષ્યની પ્રકૃતિનું પણ છે. મેં અત્યંત ક્રોધી અને તામસી પ્રકૃતિ ધરાવતા લોકોને આધ્યાત્મિક સાધનાના પ્રતાપે સમતા ભાવ ધરાવતા અને શાંત બની જતા જોયા છે.
- Advertisement -