ઇંગ્લેન્ડમાં આજે મત ગણતરી ચાલી રહી છે. 650માંથી 488 બેઠકોના પરિણામોમાં લેબર પાર્ટીને 341 બેઠકો મળી છે. ત્યારે ઋષિ સુનકે PM ઉમેદવાર કીર સ્ટાર્મરને અભિનંદન પાઠવ્યા છે. ઋષિ સુનકે જાહેરાત કરી છે કે તેઓ આવતીકાલે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે.
ઇંગ્લેન્ડમાં આજે મત ગણતરી ચાલી રહી છે. આ વખતે બ્રિટેનમાં સુનકની સરકાર સત્તામાંથી બહાર થઈ ગઈ છે. લેબર પાર્ટીને બહુમતી મળી છે. જણાવી દઈએ કે અહીં ગુરુવારે મતદાન થયું. આ ચૂંટણીમાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં 650 મતદારક્ષેત્રો માટે ઉમેદવારો મેદાનમાં હતા. બે મુખ્ય પક્ષો ઉપરાંત લિબરલ ડેમોક્રેટ્સ, ગ્રીન પાર્ટી, સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP), SDLP, ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP), સિન ફીન, પ્લેઇડ સિમરુ, રિફોર્મ પાર્ટીએ પણ તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દેશભરમાં લગભગ 40,000 મતદાન મથકો પર લગભગ 4 કરોડ 60 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. બ્રિટનમાં 2019ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 365 સીટો જીતી હતી, જ્યારે લેબર પાર્ટીએ 202 સીટો જીતી હતી.
બ્રિટેનમાં વિપક્ષી લેબર પાર્ટીની જંગી જીતની આગાહી કરવામાં આવી છે. સેન્ટર-લેફ્ટ લેબરને 2005 પછી પ્રથમ વખત સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળવાનું અનુમાન છે. જ્યારે વર્તમાન પીએમ ઋષિ સુનકની પાર્ટી ઘણી પાછળ રહી ગઈ છે. લગભગ 15 વર્ષ લાંબા કન્ઝર્વેટિવ શાસનનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવેથી ટૂંક સમયમાં અંતિમ પરિણામો જાહેર થઈ જશે.
- Advertisement -
એક્ઝિટ પોલ્સ અનુસાર, 61 વર્ષીય લેબર નેતા કીર સ્ટાર્મર સંસદમાં સૌથી મોટા પક્ષના નેતા તરીકે ઉભરી રહ્યા છે. સ્ટાર્મર પોતાની સીટ પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. પાર્ટીના નેતા કીર સ્ટાર્મરે લેબર પાર્ટીની જંગી જીત બદલ જનતાનો આભાર માન્યો છે. પાર્ટીની જીત બાદ તેઓ દેશના આગામી વડાપ્રધાન બનશે. તેમણે કહ્યું, ‘અમે એવા લોકો માટે પણ કામ કરીશું જેમણે અમને વોટ આપ્યો નથી.’ સ્ટારમેરે જાહેર જનતાને કહ્યું, ‘હું તમારા માટે બોલીશ, તમારા માટે દરરોજ લડીશ, પરિવર્તન માટે તૈયાર છું.’ કીર સ્ટાર્મરે કહ્યું કે પરિવર્તન હવે તમારા મતથી શરૂ થઈ રહ્યું છે. તમે મતદાન કર્યું છે અને હવે પરિણામ આપવાનો અમારો સમય છે. 61 વર્ષીય કીર સ્ટાર્મર ચાર વર્ષથી બ્રિટિશ સંસદમાં વિરોધ પક્ષના નેતા છે.
સ્કોટલેન્ડમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની શક્યતાઓ છે. માહિતી અનુસાર લેબર પાર્ટી ત્યાં 30થી વધુ સીટો જીતી શકે છે. લેબર પાર્ટીના સ્કોટિશ નેતા અનસ અનવરે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમને સ્કોટલેન્ડમાં પણ બહુમતી મળશે. આ પરિવર્તનનો સમય છે. અમારી પ્રથમ પ્રાથમિકતા કન્ઝર્વેટિવ સરકારના 14 વર્ષના શાસનને સમાપ્ત કરવાની છે, જેણે દેશને નુકસાન પહોંચાડ્યું છે. આવતીકાલથી મહત્ત્વપૂર્ણ કામ શરૂ થશે. અમારું આગળનું પગલું 2026માં સ્કોટિશ સંસદીય ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
બહુમત માટે શું છે આંકડો?
- Advertisement -
જણાવી દઈએ કે ઇંગ્લેન્ડમાં 650 સીટો છે. કીર સ્ટાર્મરની પાર્ટીને 326થી વધુ બેઠકો મળવાની ધારણા છે. જ્યારે વર્તમાન પીએમ ઋષિ સુનકના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 131 સીટો મળવાની ધારણા છે. હાઉસ ઓફ કોમન્સમાં 650 સાંસદો સાથે બહુમતી સરકાર બનાવવા માટે, પાર્ટીને 326 બેઠકોની જરૂર છે. હારના સંકેતો મળ્યા બાદ વડાપ્રધાન ઋષિ સુનકે તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી છે. આ ચૂંટણીમાં સરકારના ઘણા મંત્રીઓ હારી શકે છે. એવી પણ ચર્ચા છે કે ઋષિ સુનક પણ પોતાની સીટ બચાવી શકશે નહીં. જો તેને હારનો સામનો કરવો પડે છે તો તે ઇંગ્લેન્ડના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ વડાપ્રધાન હશે. એક્ઝિટ પોલના અંદાજો કન્ઝર્વેટિવ પાર્ટીની 1906 પછીની સંભવિત સૌથી ખરાબ હાર સૂચવે છે, જ્યારે તેણે 156 બેઠકો જીતી હતી.
14 વર્ષથી સત્તામાં છે કન્ઝર્વેટિવ પાર્ટી
કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા 14 વર્ષથી સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન, યુનાઇટેડ કિંગડમે 5 વડા પ્રધાનો જોયા છે. 2010ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સ જીત્યા બાદ ડેવિડ કેમરન પીએમ બન્યા હતા. તે પછી, 2015 યુકેની ચૂંટણીમાં, કન્ઝર્વેટિવ પાર્ટી સતત બીજી વખત જીતી અને કેમરન ફરીથી પીએમ બન્યા. પરંતુ તેમને 2016માં આ પદ છોડવું પડ્યું હતું. તેમના સ્થાને, કન્ઝર્વેટિવ્સે ટેરેસા મેને વડા પ્રધાન બનાવ્યા. તે 2019 સુધી આ પોસ્ટ પર રહી હતી. 2019 માં, બોરિસ જોનસન યુકેના વડા પ્રધાન બન્યા. પછી વચ્ચે તેમને પદ છોડવું પડ્યું અને લિઝ ટ્રુસ વડા પ્રધાન બન્યા. પરંતુ તે માત્ર 50 દિવસ જ ઓફિસમાં રહી શકી હતી. તેમની જગ્યાએ ઋષિ સુનક વડાપ્રધાન બન્યા.
યુકેનો અર્થ – ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નૉર્થન આયર્લેન્ડ
યુનાઇટેડ કિંગડમમાં ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નૉર્થન આયર્લેન્ડનો સમાવેશ થાય છે અને આ તમામ દેશોમાં સામાન્ય ચૂંટણીઓ લાગુ પડે છે. યુકેમાં કુલ 650 મતવિસ્તારો છે, જેમાંથી 533 બેઠકો ઇંગ્લેન્ડમાં, 59 બેઠકો સ્કોટલેન્ડમાં, 40 બેઠકો વેલ્સમાં અને 18 બેઠકો નૉર્થન આયર્લૅન્ડમાં છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે યુકેમાં દરેક દેશની પોતાની સરકાર પણ છે અને ચૂંટણીઓ યોજાય છે.
ભારત માટે યુકેની ચૂંટણીનું શું છે મહત્ત્વ?
ભારત અને બ્રિટન બંને દેશો વચ્ચેના વેપારને વેગ આપવા માટે બે વર્ષથી વધુ સમયથી સૂચિત મુક્ત વેપાર કરાર (FTA) પર વાટાઘાટો કરી રહ્યાં છે. લેબર પાર્ટીની પ્રચંડ જીત બંને દેશો વચ્ચે ચાલી રહેલી FTA વાટાઘાટોના ડાયનેમિક્સમાં બદલાવ આવી શકે છે. જો એક્ઝિટ પોલ સચોટ નીકળે છે, તો યુરોપના અન્ય દેશોની જેમ બ્રિટનમાં પણ વર્તમાન સરકાર બદલાઈ જશે. જણાવી દઈએ કે કોવિડ મહામારી અને રશિયાના યૂક્રેન પર હુમલાના કારણે સર્જાયેલી કટોકટી બાદ યુરોપના ઘણા દેશોમાં યોજાયેલી ચૂંટણીમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે બ્રિટનમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે.