તાલુકા પોલીસ અને લાયસન્સ બ્રાન્ચના તત્કાલીન PI ધોળા અને PI વણઝારા સસ્પેન્ડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
- Advertisement -
ટીઆરપી ગેમઝોનને સૌ પ્રથમ વખત વર્ષ 2021માં પોલોસ દ્વારા ટીકીટ બુકીંગ માટે લાયસન્સ કાઢી અપાયું હતું. ત્યારે પીઆઈ જે.વી. ધોળા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં અને પીઆઈ વી.એસ. વણઝારા લાયસન્સ શાખામાં ફરજ બજાવતા હતા. આ બંને પીઆઈને ગઈકાલે સસ્પેન્ડ કરી દેવાયા છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે.
સમગ્ર વિગત એવી છે કે, રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ટીઆરપી ગેમ ઝોનનું લાયસન્સ મેળવવા અરજી થઈ હતી જેમાં તેને ટીકીટ બુકીંગ માટે લાયસન્સ પોલીસ દ્વારા અપાયું હતું આ લાયસન્સ દર વર્ષે જાન્યુઆરી માસમાં રીન્યુ થતું હતું. છેલ્લે જ્યારે રીન્યુ થયું ત્યારે તાલુકા પોલીસ મથકમાં પીઆઈ વી.આર. પટેલ ફરજ બજાવતા હતા. જેથી તેને બનાવ બાદ સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે છેલ્લે જ્યારે લાયસન્સ રીન્યુ થયું ત્યારે રાજકોટ શહેર પોલીસની લાયસન્સ શાખાનો ચાર્જ પીઆઈ એન.આઈ. રાઠોડ પાસે હતો. જેથી પીઆઈ રાઠોડને પણ સસ્પેન્ડ કરાયા હતા આ પછી તા. 30 મે ના રોજ હાલ કચ્છમાં ફરજ બજાવતા પીઆઈ જે.વી. ધોળા અને અમદાવાદમાં ફરજ બજાવતા પીઆઈ વી.એસ. વણઝારાની ગાંધીનગર ખાતેથી અટકાયત કરી રાજકોટ ક્રાઈમ બ્રાંચ કચેરીએ મોડી રાત્રે લવાયા હતા.
તેમની ત્રણ દિવસ સુધી પૂછપરછ થઈ હતી પછી બંને પીઆઈને પોલીસની તપાસ સીટ તરફથી ક્લીન ચિટ મળી ગઈ હતી આ તરફ રાજ્ય સરકારે આઇપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સીટની રચના કરી હતી. આ સીટ દ્વારા પણ ઘટના સંબંધિત તમામ અધિકારીઓની પૂછપરછ થઈ હતી. ગઈ તા.20ના રોજ આ સીટ દ્વારા સરકારને રિપોર્ટ કરી દેવાયો હતો આજે સરકાર આ રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજુ કરવાની છે એ પહેલાં ગઈકાલે તા.3 જુલાઈની રાતે ડીજીપીએ સીટ અને ગૃહવિભાગના રિપોર્ટના આધારે પીઆઈ જે.વી.ધોળા અને પીઆઇ વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કર્યા છે. ગેમઝોન આગ દુર્ઘટનાના ગુનામાં રાજકોટ મનપાના ટીપી શાખાના અધિકારીઓ અને ફાયર વિભાગના અધિકારીઓને આરોપી બનાવાયા છે.
- Advertisement -