ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.14
પોરબંદરના દેગામ ગામે આવેલી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે સ્કુલના સંચાલકો તથા શાળાના અધિકારીઓ સાથે માર્ગ સલામતી અને સ્કુલ વાહનોના નિયમો પર મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગનું આયોજન એ.આર.ટી.ઓ પોરબંદર, જિલ્લા ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. મીટીંગમાં શાળાના બાળકોના સુરક્ષિત પરિવહન માટે વિવિધ માર્ગ સલામતી સૂચનાઓ આપવામાં આવી હતી. ગુજરાત સરકારના 2019ના સ્કુલ સેફ્ટી પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું હતું. ખાસ કરીને સ્કુલ બસ, સ્કુલ વાન અને રીક્ષામાં બાળકોની ક્ષમતા અનુસાર જ તેમને બેસાડવા પર જોર આપવામાં આવ્યું હતું.
- Advertisement -
અધિકારીઓ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી તથા જરૂરી અગ્નિશામક સાધનો બિનચુક રાખવા ફરજિયાત છે. સાથે જ, ખાનગી પાસિંગ ધરાવતા વાહનમાં બાળકોનું પરિવહન ન કરવા તેમજ વાહન પરમીટ ની પ્રક્રીયા વેકેશન પૂરી થાય તે પહેલાં પુર્ણ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.મીટીંગમાં ઉપસ્થિત આર.ટી.ઓ અને પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે સ્કુલ ખુલ્યા બાદ સંયુક્ત ચેકીંગ કરાશે અને કોઈપણ વાહનમાં નિયમોનો ભંગ થતો જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મીટીંગથી ઉપસ્થિત તમામ સંચાલકો તથા શાળાના અધિકારીઓમાં સ્કુલ વાહનોના સલામતી નિયમો વિશે જાગૃતિ ફેલાઈ હતી.