કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએ સરકાર રચવાની તૈયારી શરૂ થઈ ગઈ છે તેવા સમયે નિર્ણાયક સાથી પક્ષ એવા ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીપદે શપથ લેવાનું ઢીલમાં નાખતા નવી રાજકીય અટકળો શરૂ થઈ છે. તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં આવી શકે તેમ હોવાની ચર્ચા છે.
લોકસભાની સાથોસાથ આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ થઈ હતી અને તેમાં ટીડીપીનો વિજયવાવટો ફરકયો હતો. પાર્ટીના નેતા ચંદ્રાબાબુ નાયડુ મુખ્યમંત્રી બનશે અને 9 જૂને શપથ લેશે તેવા સંકેતો વચ્ચે રાજયમાં નવી સરકારનો શપથ સમારોહ 12 જૂન પર પાછો ઠેલાયો છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી જૂને શપથગ્રહણ કરવાના હોવાથી આંધ્રમાં સમય બદલાયો હોવાનો દાવો ટીડીપીના સૂત્રોએ કર્યો છે. આંધ્રપ્રદેશમાં વિધાનસભા ઉપરાંત લોકસભા ચૂંટણીમાં પણ ટીડીપીનો દેખાવ જબરદસ્ત રહ્યો હતો. 16 બેઠક મળતા એનડીએનો સૌથી મોટો ભાગીદાર પક્ષ બન્યો છે અને એનડીએને ફરી સતા મળવામાં પણ નિર્ણાયક હિસ્સો રહ્યો છે.
ટીડીપી દ્વારા એનડીએમાં જ રહેવાનુ જાહેર કરવામાં આવ્યુ છે અને વિધિવત સમર્થનપત્ર પણ આપી દેવામાં આવ્યું છે છતાં મુખ્યમંત્રીનો શપથ કાર્યક્રમ પાછો ઠેલાતા અનેકવિધ અટકળો શરૂ થઈ છે. ચંદ્રાબાબુ રાષ્ટ્રીય રાજકારણમાં પહોંચીને વિશ્ર્વાસુને રાજયની ગાદી સોપે કે કેમ તે વિશે ચર્ચા ઉઠવા પામી છે.