સીએમ અરવિંદ કેજરીવાલનો સમર્થકોને ભાવપૂર્ણ સંદેશ
‘મને તોડવાના, ચૂપ કરી દેવાના કેટલાય પ્રયત્નો થયા, પરંતુ હું તૂટ્યો નથી કે મૌન રહ્યો પણ નથી’
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે તેમના ટેકેદારોને જણાવ્યું હતું કે તેઓ બીજી જૂને સરન્ડર કરશે, તેમણે લાગણીજન્ય અપીલમાં જણાવ્યું હતું કે મારા વૃદ્ધ અને બીમાર માબાપની સંભાળ લેજો. હું સરન્ડર કરવા માટે મારા ઘરને બપોરે ત્રણ વાગે છોડી દઇશ. શક્ય છે કે તેઓ મને વધારે ટોર્ચર કરે, પરંતુ હું તેમની આગળ ઝૂકીશ નહીં. તેમણે દિલ્હીના લોકોને ખાતરી આપી હતી કે મારી ગેરહાજરીમાં પણ તેમના માટે શરુ કરવામાં આવેલી બધી જ સગવડો જારી રહેશે.
કેજરીવાલે જણાવ્યું હતું કે થોડો સમય હું તમારી વચ્ચે નહીં હોઉં, પણ તમારુ કામ હંમેશા ચાલુ રહેશે. મારા પરત ફર્યા પછી હું માતાઓ અને બહેનોને દર મહિને હજાર રુપિયા આપવાનો પ્રારંભ કરીશ. તેમણે દિલ્હીવાસીઓને અપીલ કરી હતી કે મુશ્ર્કેલ સમયમાં તેમની સાથે ઊભા રહે અને તેમના વયોવૃદ્ધ માબાપની સારસંભાળ રાખે. તેમણે જણાવ્યું હતું કે જો લોકો મારા માબાપની સંભાળ રાખશે તો હું ખૂબ જ આભારી રહીશ. તેમણે જણાવ્યું હતું કે આજે હું તમારી પાસેથી કંઇક માંગુ છું. મારા માબાપ વયોવૃદ્ધ છે, મારી માતા અત્યંત માંદી છે. મને જેલમાં પણ તેમની ચિંતા રહેશે. હું જેલમાં જઉં પછી મારી માતાની સંભાળ લેજો. તેમના માટે ઇશ્ર્વરને પ્રાર્થના કરજો. પ્રાર્થનામાં જબરદસ્ત શક્તિ છે. તમે જો મારી માતા માટે દૈનિક ધોરણે પ્રાર્થના કરતાં રહેશે તો તે ચોક્કસપણે સ્વસ્થ રહેશે.
- Advertisement -
કેજરીવાલે જણાવ્યું હતું કે મારી પત્ની સુનીતા ખૂબ જ મજબૂત છે. તે મારા જીવનના મુશ્ર્કેલમાં મુશ્ર્કેલ સમયમાં મારી સાથે રહી છે. તમે બધાએ મને મુશ્ર્કેલ સમયમાં સારું સમર્થન આપ્યું છે. તમારી પ્રાર્થનાના લીધે જ હું આજે જીવતો છું. તમારી પ્રાર્થના ભવિષ્યમાં પણ મારું સંરક્ષણ કરતી રહેશે. છેવટે હું એટલું જ કહીશ કે ઇશ્ર્વરની ઇચ્છા હશે તો તમારો પુત્ર પરત આવશે. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીવાસીઓને મળતી 24 કલાક મફત વીજળીથી લઈને મહિલા પ્રવાસીઓને મફત બસ પાસ જેવી સગવડ જારી રહેશે.
કેજરીવાલે જણાવ્યું હતું કે આપણે બધા એક સરમુખત્યાર સામે લડી રહ્યા છીએ. દેશને બચાવતા મારું જીવન હું ગુમાવું તો મને તેનું દુ:ખ નથી. હું આવતીકાલે તિહાર પરત જઈશ. મને ખબર નથી કે મારે કેટલા દિવસ રહેવાનું છે, પરંતુ મારો જુસ્સો ઊંચો છે. મને ગર્વ છે કે હું જેલ દેશને એક સરમુખત્યારશાહીથી બચાવવા માટે જઉં છું. તેઓએ મને તોડી નાખવા અને મને ચૂપ કરી દેવા ઘણી રીતે પ્રયત્ન કર્યો, પરંતુ સફળ થયા નથી.