બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશા વિવિધ પ્રકારના સદાચરણનું શિક્ષણ આપવું જોઈએ.
કથામૃત: અમેરિકન આર્મીમાં સેવા આપતા રોબર્ટ કાર્સન નામના સૈનિકે સોનિયા નામની એક યુવતી સાથે લગ્ન કર્યા. કાર્સન દંપતિનો નાનો દીકરો બેન્જામીન તોફાની અને આવારા હતો. બેન્જામીન જ્યારે 8 વર્ષનો હતો ત્યારે એની માતા સોનિયાએ છૂટાછેડા લઇ લીધા અને સંતાનો સાથે એકલી રહેતી હતી. સોનિયાએ બાળકોની સંભાળ લેવાની હતી અને ઘર ચલાવવા માટે કમાવા પણ જવાનું હતું. એને દીકરા બેન્જામીનની ખૂબ ચિંતા હતી કારણ કે હવે તો આ છોકરો ખિસ્સામાં નાનું ચપ્પુ લઈને ફરતો હતો. ગુંડાગીરીના રસ્તેથી દીકરાને યોગ્ય રસ્તે કેવી રીતે પરત લાવવો એની માતા સોનિયાને ચિંતા હતી. એક દિવસ માતાએ દીકરાને બેસાડીને પૂછ્યું, બેટા, આપણી સોસાયટીમાં એક ડોક્ટર રહે છે, જે ખૂબ વૈભવી જીવન જીવે છે એની તને ખબર છે ? છોકરાએ હા પાડી એટલે માતાએ બીજો પ્રશ્ન કર્યો કે એની પાસે આલિશાન બંગલો અને લક્ઝુરિયસ કાર કેવી રીતે આવ્યા એ તને ખબર છે ? છોકરાએ ના પાડી. માતાએ કહ્યું, બેટા, જેવી રીતે તારી પાસે ચપ્પુ છે એવી જ રીતે એની પાસે પણ ચપ્પુ છે. એણે ચપ્પાને યોગ્ય રીતે ચલાવતા શીખી લીધું એટલે એ સુખેથી રહી શકે છે. જો ચપ્પાનો યોગ્ય ઉપયોગ કરતા આવડે તો ગાડી બંગલો મળે અને યોગ્ય ઉપયોગ કરતા ના આવડે તો જેલ મળે.
- Advertisement -
મને ખબર છે કે તારી પાસે પણ ચપ્પુ છે પણ એનો ઉપયોગ કેમ કરવો એ તારે વિચારવાનું છે. છોકરાના મન અને હૃદય પર માતાની આ વાતોએ ઊંડી અસર કરી. આવારાગીરી છોડીને એ ભણવાના કામે લાગી ગયો. બેન્જામીન ભણી ગણીને ડોક્ટર બન્યો. માત્ર 33 વર્ષની યુવાન વયે એ અમેરિકાનો પીડિયાટ્રિક ન્યુરો સર્જન એસોશિએશન યુવા પ્રમુખ બન્યો. સારામાં સારો લેખક પણ બન્યો અને ‘થિંક બિગ’, ટેઈક ધ રિસ્ક’, ‘યુ હેવ અ બ્રેઇન’, ‘ગિફ્ટેડ હેન્ડ્સ’ વગેરે જેવા અનેક પુસ્તકો પણ લખ્યા છે. એક સમયે ખિસ્સામાં ચપ્પુ લઈને ફરનારો આ બાળક પીડિયાટ્રિક ન્યુરો સર્જનની સાથે સાથે આજે અમેરિકાની ટ્રમ્પ સરકારમાં આવાસ અને શહેરી વિકાસ વિભાગના મંત્રી તરીકે પણ સેવા આપે છે. કામ માત્ર સંતાનોને ભણાવવાનું નથી એને કેળવવાનું પણ છે. આજની શાળાઓ જે કામ નથી કરી શકતી તે કામ માતા-પિતાએ કરવું પડશે. બાળકોના હાથમાં રહેલા સાધનોનો યોગ્ય ઉપયોગ કરતા એને શીખવવું પડશે. સંતાનો પાસેથી કામ કઢાવવુ હોય તો ગુસ્સાને બદલે સમજાવટ વધુ અસરકારક સાબિત થશે.