BJP નેતા દુ:ખની ઘડીમાં ન ડોકાયા
સિવિલમાં 4-4 દિવસ મૃતકોના લાચાર સંબંધી રઝળતા રહ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે અને અનેક પરિવારોના માળા વિખાઇ ગયા છે. આમ છતાં 20 દિવસ એટલે કે ચૂંટણી પહેલાં હાથ જોડી જોડીને મતની ભીખ માંગતા નેતાઓ પોતાની સરકારના પાપે બનેલી આવડી મોટી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનો સુધી સાંત્વના પાઠવવા પણ પહોંચી શક્યા નથી. ચૂંટણી સમયે ખુદ પ્રદેશ પ્રમુખ પણ રાજકોટ આવી પહોંચી ભાજપને 400 પાર કરાવવા મત માટે અપીલ કરતા, પરંતુ આ વખતે તેઓ પણ રાજકોટવાસીઓની આ દુ:ખની ઘડીમાં એક ક્ષણ આવી દિલાસો આપવા પહોંચી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે, જે તંત્રના પાપે આવડી મોટી દુર્ઘટના બની છે તેવી રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટની જનતાએ 72 માંથી 68 કોર્પોરેટર ભાજપના ચૂંટીને આપ્યા આમ, છતાં આ દુ:ખની ઘડીમાં કોઈ ન ડોકાયા. 25 મે 2024ની એ સાંજના 5.30 વાગ્યા પછીનો સમય કાલાવડ રોડ પર આવેલા TRPગેમ ઝોન અનેક પરિવારો માટે ડેથ ઝોન બની ગયો હતો. આ ગેમ ઝોન ખાતે સામાન્ય દિવસોમાં લોકોની મજા માણતાં માણતાં આનંદની કિલકારીઓ ગુંજતી હતી, પરંતુ આ દિવસે સાંજના 5.30 વાગ્યા પછી બચાવો બચાવોની ચિચિયારીઓ સંભળાતી હતી.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો તેમાં 28 લોકોના મૃત્યુ થયા અને તેમાં રાજકોટ શહેર જિલ્લા અને આસપાસના નજીકના જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે. તેમાં પણ મોટાભાગના રાજકોટ શહેર વિસ્તારમાં વસવાટ કરતા લોકોનો સમાવેશ થાય છે. ત્યારે રાજકોટની જનતાનો સવાલ એ છે કે, 20 દિવસ પહેલાં હાથ જોડી જોડીને મત માંગવા આવતા નેતાઓ ક્યાં ગુમ થઇ ગયા છે? કારણ કે પોતાનાં સ્વજનોને જોવા માટે અને લાપતા બનેલાં સ્વજનોને મેળવવા માટે પરિવારજનો, સગાંસબંધીઓ તેમજ મિત્રવર્તુળો સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી રૂમથી પીએમ રૂમ વચ્ચે દોડાદોડી કરતા નજરે પડતા હતા, પરંતુ એક પણ નેતા આ સમયે દુ:ખની ઘડીમાં ડોકાયા ન હતા. રાજકોટની જનતાએ મહાનગર પાલિકાની ચૂંટણીમાં 72 માંથી 68 ભાજપના નેતાઓને ચૂંટી કોર્પોરેટર બનાવ્યા, પરંતુ આજે જ્યારે દુ:ખની ઘડી આવી તો એક પણ નેતા દુ:ખની ઘડીમાં સહભાગી બની સાંત્વના આપવાનું પણ ચૂકી ગયા છે. ચાર ચાર દિવસ સુધી પોતાનું સ્વજન આવશે તેની રાહમાં કોઈ પોતાના વહાલસોયા પુત્ર, તો કોઈ સેંથાના સિંદૂર અને કોઈ ભાઈ-બહેનની લાશ લેવા માટે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં અશ્રુભીની આંખે પડાવ નાંખ્યો હતો. તમામ લોકોની આંખો ભીની હતી અને સામાન્ય લોકોનું હૃદય પણ આ સ્થિતિ જોઈ પીગળી જાય તેવી હાલત હતી, પરંતુ સત્તાધારી શાસકોના પેટનું પાણી હલ્યું ન હતું.
નેતાઓ ફરજથી દૂર ભાગ્યા:
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાર ચાર દિવસ સુધી રડતાં રડતાં પોતાના સ્વજનને ગુમાવવા દુ:ખ માટે આંસુ પાડતા રહ્યા હતા, પરંતુ તેમનાં આંસુ લૂછવા ઉપરોક્ત નેતાઓમાંથી એક પણ નેતાએ માનવતા દાખવી નથી. એટલું જ નહિ, પરંતુ 68 પૈકી એક પણ કોર્પોરેટર હોસ્પિટલ આવી દુ:ખની ઘડીમાં રાજકોટવાસીઓની પડખે ઊભું રહેવાની પોતાની ફરજ છે તેવું સમજી શક્યા નથી અને પોતાની ફરજથી દૂર ભાગતા રહ્યા છે.
નેતાઓને કોનો ડર હતો?:
ઉલ્લેખનીય છે કે, બનાવના દિવસે મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વહેલી સવારે મૃદુ અને મક્કમ સ્વભાવના કહેવાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ રાજકોટ આવી પહોંચ્યા હતા, પરંતુ આ બન્ને નેતાઓ પણ માત્ર બનાવ સ્થળની મુલાકાત કરી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે બેસેલાં અનેક મૃતકોનાં પરિવારજનોની સામે જશે તો વિરોધ થશે અને શું જવાબ આપીશું તેવા ડરના કારણે હોસ્પિટલ ખાતે ચાર ચાર રાત સુધી ઉજાગરા કરી પોતાના સ્વજનના મૃતદેહને લેવા રાહ જોતાં પરિવારજનોને મળવાનું અને સાંત્વના આપવાનું ચૂકી ગયા હતા.