મુખ્યમંત્રીની સૂચનાથી ગૃહપ્રધાન ગાંધીનગરની લેબોરેટરીએ પહોંચ્યા : કુલ આઠ તબકકામાં ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે : સરકારી તંત્ર ખડેપગે
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે બનેલી કરુણાંતિકામાં જીવતા ભુંજાઈ ગયેલા 28થી વધુ નિર્દોષ લોકો 11 પરિવારજનો ત્રણ દિવસ સુધી પણ ડેડ બોડી ન મળવાથી આક્રોશિત થઈ ઉઠયા હતા. આગમાં સદંતર સળગી ગયેલા શરીરના અલગ અલગ અથવા આખા બોડીની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ જ એકમાત્ર વૈજ્ઞાનિક રસ્તો હોવાથી એમાં સમય લાગી રહ્યો છે અને એટલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને પગલે સોમવારે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ખાતે જઈ સમગ્ર ડીએનએ ટેસ્ટીંગ કામગીરીની સમીક્ષા કરી હતી.
- Advertisement -
સંઘવીએ જાહેર કર્યું હતું કે, મૃતકોના પરિવારજનોની લાગણી અને પીડાને સરકાર સમજે છે, પણ ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી લાંબી છે. આઠ તબકકામાં તૈયાર થતા ડીએનએ મેચ રિપોર્ટ પાછળ 48 કલાક જેટલો સમય લાગતો હોય છે. તેમ છતાં એફએસએલની 18 સભ્યોની ટીમે બે દિવસમાં નવ મૃતકોના સેમ્પલ ટેસ્ટ કરી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
શનિવારે બનેલી ઘટનામાં ફાયર અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળના અંતે માનવ શરીર અને એના અવશેષો એકત્રીત કર્યા છે અને હાલ રાજકોટ પોલીસ સમક્ષ 27 વ્યક્તિઓની મિસિંગ અંગેની અધિકૃત જાણકારી મળી છે. આ માનવ અવશેષો એટલી હદે બળી ચૂકયા છે કે એમાં લોહી ન હોવાથી હાડકાના નમુના અને એમના નજીકના પરિવારના લોહીના નમુના એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એફએસએસ ખાતે લવાયા છે.
અહીં 18 સભ્યોની ટીમ તેનું પરિક્ષણ કરી મેચ થયેલા નમુનાના આધારે ઓળખ જાહેર કરાય છે, એટલે કે ડીએનએ રિપોર્ટ મેચ થયાનું જાહેર કરવામાં આવે છે. અલબત આ 48 કલાકની લાંબી પ્રક્રિયા છે.
- Advertisement -
એફએસએલમાં ચાલી રહેલી ડીએનએ ટેસ્ટની કામગીરીની સમીક્ષા કર્યા પછી હર્ષ સંઘવીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 27મીના રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ એફ.એસ.એલ.ની ટીમે કામગીરી શરૂ કરી દીધી હતી. સૌપ્રથમ આવેલા ડીએનએ સેમ્પલમાં બ્લડ અને મૃતકના પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા નમુના હતા. ડીએનએ સેમ્પલથી ફાઈનલ રિપોર્ટ સુધી કુલ આઠ તબકકામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબકકામાં નમુનાના પ્રકારના આધારે પરિક્ષણનો સમયગાળો નકકી કરાય છે.
એફએસએલ સ્ટાફ 24×7 કામ પર
ગૃહ રાજયમંત્રીએ કહ્યું કે, આ અત્યંત કરુણ ઘટના છે અને પરિવારજનોની લાગણી સાથે સરકાર પણ સહભાગી થઈ એફએસએલની 18 સભ્યોની ટીમને કામે લગાડવામાં આવી છે. જેથી શકય એટલી ઝડપથી ડીએનએ રિપોર્ટ તૈયાર કરી શકાય. ત્રણ સભ્યો પોતાના પરિવારજનો સાથે યાત્રાએ જવાના હતા, તેઓ પણ પોતાની રજા રદ કરી હાલ દિવસ રાત કામ કરી રહ્યા છે.
કઇ રીતે થાય છે ફોરેન્સીક પરીક્ષણ
1) પ્રથમ તબકકામાં કેસને પરીક્ષણ માટે નમુનાઓના એનાલિસીસ કરવા માટેની કેસ ઓપનિંગ પ્રક્રિયા હાથ ધરાય છે. જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે.
2) દ્વિતીય તબકકામાં નમુનાઓમાંથી ડીએનએ એકસ્ટ્રેકટ કરવામાં આવે છે. જેમાં પણ અંદાજીત છ થી સાત કલાક સમય લાગી જાય છે.
3) ત્રીજા તબકકામાં ડીએનએની કવોન્ટીટી અને કવોલિટી ચેક કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.
4) ચોથા તબકકા હેઠળ ડીએનએ નમુનાઓનું પીસીઆર એટલે કે, ડીએનએ સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં આશરે ત્રણથી ચાર કલાક સમય લાગે છે.
5) પાંચમા તબકકામાં ડીએનએ પ્રોફાઈલિંગ કરવામાં આવે છે. જે અંદાજે આઠથી નવ કલાક સમય લે છે.
6) છઠ્ઠા તબકકા હેઠળ મેળવેલ ડીએનએ પ્રોફાઈલનું એનાલિસીસ કરવામાં આવે છે. જેમાં અંદાજીત બે થી ત્રણ કલાક જેટલો સમય લાગી જાય છે.
7) સાતમા તબકકામાં એનાલિસીસ થયેલા નમુનાઓનું ઈન્ટરપ્રિટેશન કરવામાં આવે છે. જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે.
8) આઠમાં તબકકામાં ડીએનએ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં અંદાજીત ત્રણ થી પાંચ કલાક સમય લાગે છે.