શાળા નં. 85નાં પ્રિન્સિપાલ હિતેશ રાઠોડની પ્રવૃત્તિઓની તપાસ પણ જરૂરી હોવાનો જાણકારોનો અભિપ્રાય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
રાજકોટ શિક્ષણ સમિતિની શાળા નં. 85માં ધો. 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કરણ (ઉ.વ.13) છેલ્લા દોઢ મહિનાથી ગૂમ છે. કરણના વાલીના જણાવ્યા અનુસાર સરકારી શાળા નં. 85ના પ્રિન્સિપાલ હિતેશ રાઠોડને કારણે કરણ છેલ્લા 42 દિવસથી લાપતા છે. કરણ સ્કૂલમાંથી ગુમ થયો છે, આ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાઈ છે અને રાજકોટ પોલીસ કમિશનર કચેરીથી લઈ ગૃહ મંત્રાલય સુધી અરજી પણ કરવામાં આવી છે, પોલીસ દ્વારા બાળકના શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ દરમિયાન સમગ્ર બનાવની હકીકત જાણવા ખાસ-ખબરે શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાનો સંપર્ક કર્યો હતો. હંમેશની જેમ વિક્રમ પુજારા શિક્ષણ સમિતિમાં હાજર મળ્યા નહતા, ફોન કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ બહારગામ છે. રાજકોટ પરત ફરી રહ્યા છે. હજુ હમણાં જ તેઓને આ ઘટનાની જાણ થઈ છે. પ્રિન્સિપાલ કે શાસનાધિકારી દ્વારા બાળક ગુમ થયાની તેમને આજદિન સુધી જાણ કરવામાં આવી નહતી. પ્રિન્સિપાલ હિતેશ રાઠોડ એક સારા વ્યક્તિ છે વગેરે જણાવી બાળક ગુમ થયાની ઘટનામાં ચેરમેન વિક્રમ પુજારાએ પ્રિન્સિપાલ હિતેશ રાઠોડનો બચાવ કર્યો હતો પરંતુ કરણના વાલીએ પણ ખાસ-ખબરના માધ્યમથી વિક્રમ પુજારા સાથે ફોનમાં વાતચીત કરીને કરણના ગુમ થવા પાછળ પ્રિન્સિપાલ હિતેશ રાઠોડને જ જવાબદાર ગણાવ્યા હતા.
- Advertisement -
સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર કરણ જે શાળામાંથી ગુમ થયો છે તે શાળા નં. 85ના પ્રિન્સિપાલ હિતેશ રાઠોડની ભૂતકાળમાં અનેક ફરિયાદ ઉઠી છે. આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે, હિતેશ રાઠોડ સત્તાનો દુરુપયોગ કરવા અને શાળામાં સાંજના સમયે બિનશૈક્ષણિક પ્રવૃતિઓ કરવા માટે પંકાયેલા છે. તેઓ ભણાવવા કરતા વધુ વિદ્યાર્થીઓને ડરાવવા-ધમકાવવામાં માસ્ટર છે. આ સિવાય હિતેશ રાઠોડ શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાના ખાસ છે એટલે ચેરમેન કે કોઈ તેના વિરુદ્ધ પગલાં લેશે નહીં. અલબત્ત ચૂંટણી હોવાથી બાળક ગુમ થવાની સમગ્ર ઘટના શાસનાધિકારી કિરીટ પરમાર, દિનેશ સદાદિયા અને હિતેશ રાઠોડે દબાવી રાખી હતી એવું ચર્ચાઈ રહ્યું છે.
શિક્ષણ સમિતિની શાળામાં બાળકો અસલામત? હેબિયસ કોર્પ્સ દાખલ કરી કરણને શોધવો જરૂરી
રાજકોટ શિક્ષણ સમિતિનો વહીવટ કેટલી હદે ખાડે ગયો છે તેનો જ્વલંત પુરાવો મોજૂદ છે. એક બાળક છેલ્લા દોઢેક મહિનાથી શાળાએથી ગુમ છે છતાં ચેરમેન વિક્રમ પુજારાને તેની કોઈ જાણ નથી. શાસનાધિકારી કિરીટ પરમારના પેટનું પાણી હલતું નથી. પ્રિન્સિપાલ હિતેશ રાઠોડ એવું કહે છે, એ તો રખડુ વિદ્યાર્થી હતો, હશે ક્યાંક.. આવી જશે ઘરે.. સરકારી શાળામાં ભણતા કરણના વાલીઓ દિવસ-રાત કરણની ભાળ મેળવવા દરબદર ભટકી રહ્યા છે. શિક્ષણ સમિતિમાં બધા પોતપોતાના સ્વાર્થ સંતોષવામાં પડ્યા છે આ કારણે સરકારી શાળાના વિદ્યાર્થીઓ અસલામત બન્યા છે. હવે જ્યારે ચાલીસ દિવસથી વધુ સમય થવા છતાં કરણ ક્યાં છે તેની કોઈને ખબર નથી ત્યારે સમગ્ર મામલાની સચ્ચાઈ જાણવા હેબિયસ કોપર્સ દાખલ કરી કરણને શોધવો જરૂરી છે.
શું છે સમગ્ર મામલો?
બાળક કરણ તેમના ફુવા હિતેશભાઈ ગોહિલના ઘરે નવલનગરમાં રહે છે. બાળક કરણના માતા કોરોનામાં મરણ પામ્યા છે. કરણ શિક્ષણ સમિતિની ઉદયનગરમાં આવેલી શાળા નં. 85માં ધો. 7માં અભ્યાસ કરે છે. ગત તા. 12/04/2024ના રોજ સ્કૂલે ગયા બાદ કરણ ઘરે પરત ફરેલો નથી. તેના વાલીના જણાવ્યા અનુસાર જે દિવસે કરણ ગુમ થયો તે દિવસે છેલ્લે કરણ શાળામાં હતો. શાળામાં પરીક્ષા હોય એક વિદ્યાર્થી હાજર નહતો એટલે શિક્ષકે કરણને ગેરહાજર વિદ્યાર્થીના ઘરે મોકલ્યો. થોડીવાર પછી કરણ ન આવ્યો એટલે શિક્ષકે વધુ બે વિદ્યાર્થીઓને કરણ અને ગેરહાજર વિદ્યાર્થીને બોલાવવા મોકલ્યા.
પરંતુ કરણ ક્યાંય ન મળ્યો એટલે પ્રિન્સિપાલે કરણના વાલીના ફોન કરી કરણ ક્યાં છે તેની તપાસ કરી, કરણ ઘરે નહતો. કરણના વાલીએ પ્રિન્સિપાલને કહ્યું હતું કે, જો કરણ શાળાએ આવે તો જણાવશો, તેને ત્યાં જ રાખજો અમે આવીને તેડી જઈશું. પરંતુ કરણ શાળાએ આવ્યો ત્યારે પ્રિન્સિપાલ હિતેશ રાઠોડે કરણને ડરાવ્યો-ધમકાવ્યો અને પછી ઘર મોકલી આપ્યો. પ્રિન્સિપાલ હિતેશ રાઠોડે વાલીની વાત અવગણી કરણને શાળાએ ન બેસાડી રાખ્યો અને કરણને ડરાવી-ધમકાવી ઘરે મોકલી આપ્યો એટલે આજ સુધી કરણ ઘરે પહોંચ્યો નથી અને ગુમ થઈ ગયો છે એવો તેના વાલીએ આક્ષેપ કર્યો છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનરમાં પણ અરજી થઈ છે.