એ છીંક ખાય તો પણ આકાશ ચોપરા કહે છે કે, આટલી સુંદર-સૂરિલી છીંક કોઈ ખાઈ શકતું નથી. એ કેચ છોડે તો ગૌતમ ગંભીર કહે છે કે, આ જગતનો સૌથી મહાન ડ્રોપ્ડ કેચ છે
ક્રિકેટ જગતમાંથી માનભેર વિદાય લીધી હોય તેવાં માત્ર બે-ચાર-છ પ્લેયર્સના નામ યાદ આવે. એક હતો શેન વોર્ન. તેણે નિવૃત્તિ લીધી ત્યારે આખી દુનિયાના ક્રિકેટ પ્રેમીઓ સ્તબ્ધ થઈ ગયા હતાં. તેનામાં હજુ સો-બસ્સો વિકેટ લેવાની ક્ષમતા હતી. કહેવાય છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડએ તેને ગ્રાઉન્ડ પર પાછા ફરવા માટે અનેક વખત સમજાવ્યો હતો. એ ન માન્યો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાનું પણ એવું જ. બધાંએ તેને પૂછયું, છેવટે શા માટે આટલી ઉતાવળ? વ્હાય.
આ વ્હાયમાં જ સ્પોર્ટ્સમેનની ઈજ્જત, શાખ છે. કોઈએ કહ્યું છે: રીટાયરમેન્ટ લો ત્યારે લોકોના મોંમાંથી વ્હાય નીકળવું જોઈએ, ‘વ્હાય નોટ’ નીકળે તો ગ્રે હેરમાં ધૂળ પડ્યા બરાબર ગણવું. કપિલ દેવથી લઈને સચિન તેંડુલકર સુધીનાં અનેક ભારતીય ક્રિકેટરોને પણ બધાંએ ‘વ્હાય નોટ’ જ પૂછયું હતું. 40-42 વર્ષની ઉંમર એક ક્રિકેટર માટે ઘડપણ જ કહેવાય. જતી જિંદગીએ ધખારા સારા ન લાગે. ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સુપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ પેડ-ગ્લોવ્ઝ ટાંગવાનું નામ લેતો નથી. ચેન્નાઈનાં ગ્રાઉન્ડ પરથી તેને ઑલમોસ્ટ વિદાયમાન પણ આપી દેવાયું. હવે એ કહે છે, ઊંહુ… હું કોઈ રીટાયર-બીટાયર થવાનો નથી, થોડી રાહ જુઓ!
- Advertisement -
સ્મશાનની ચિતા પરથી મડદાં બેઠાં થયાનાં સમાચાર આપણે સો વખત વાંચ્યા છે. પણ પછી આવા અદા બે-પાંચ દહાડાથી વધુ જીવતા નથી. આપણે ધોનીના ભાઈબંધ નથી, નહીંતર કહ્યું હોત: દોસ્ત, હવે ધરમધ્યાન કરી લે તો સારું. એક વિકેટકીપર તરીકે ધોની હજુ ચાલે તેમ છે. બેટ્સમેન તરીકે એનાં દિવસો ભરાઈ ગયા છે. ઉંમર કોઈને છોડતી નથી. ક્રિકેટમાં બેટીંગ એ આખો રીફ્લેક્સીસનો ખેલ છે. ઉંમર સાથે રીફ્લેકીસ અને આંખીની દૃષ્ટિની ક્ષમતા ઘટે, ઘટે જ.
બેશક, આ વર્ષની આઈ.પી.એલ.માં તેણે થોડીક સિકસર્સ મારી છે પરંતુ લાંબી ઈનિંગ રમવાની તેની ક્ષમતા વર્ષોથી ખતમ થઈ ગઈ છે. એટલે જ તેનો પ્રથમ પ્રયત્ન એ જ હોય છે કે, તેણે બેટીંગમાં ઉતરવું ન પડે. તેનું ચાલે તો એ બેટીંગમાં આવે જ નહીં, નવ વિકેટ પડે ત્યાં ચેન્નાઈની ઈનિંગ ડીકલેર કરાવી દે. દોઢ-બે ઓવર રમીને બે-ત્રણ ચોક્કા-છગ્ગા મારવાનું સહેલું છે. એવું તો રવિ અશ્ર્વિન અને મોહમ્મદ સિરાજ જેવાં બોલરો પણ કરી બતાવે છે. પણ, દસ-બાર ઓવર રમીને ટીમને વિનિંગ સિચ્યુએશનમાં પહોંચાડવી એક અલગ બાબત છે. ધોની એક મહાન માર્કેટિંગ એક્સપર્ટ છે. તેનું પી.આર. એટલું મજબૂત છે કે, તેની ઈમેજ લાર્જર ધેન લાઈફ બનાવી દીધી છે. કેમેરામેનનું ફોક્સ મેચ દરમિયાન તેની પર જ રહે છે. કોમેન્ટેટરો તેનાં ગૂણગાન ગાતા થાકતાં નથી.
એ છીંક ખાય તો પણ આકાશ ચોપરા કહે છે કે, આટલી સુંદર-સૂરિલી છીંક કોઈ ખાઈ શકતું નથી. એ કેચ છોડે તો ગૌતમ ગંભીર કહે છે કે, આ જગતનો સૌથી મહાન ડ્રોપ્ડ કેચ છે. એ મેદાનમાં ઉતરે તો ઘણાં લોકો એટલું નાચે છે કે, તેમનાં પિતાશ્રીનું ફુલેકું નીકળ્યું હોય. તેનાં બેટમાં બૉલ મિડલ ન થાય તો અંબાતી રાયુડુ કહેશે કે, થાલાનું બેટ બરાબર જગ્યાએ હતું, બોલરે બોલ થોડો દૂર ફેંક્યો. આખી એક લોબી કામ કરે છે. યુવરાજસિંહ અને વિરેન્દ્ર સેહવાગે ધોનીની સરખામણીએ ભારતીય ક્રિકેટને અનેકગણું આપ્યું છે. પરંતુ ગીતડાં માત્ર ધોનીનાં ગવાય છે, ઓવારણાં ફકત થાલાનાં જ લેવામાં આવે છે. ધોની ભારતનો મહાનત્તમ ક્રિકેટર નથી એ બાબત પુરવાર કરવાની જરૂર નથી અને એ ઈન્ડિયાનો ગ્રેટેસ્ટ એવર પોલિટિશિયન ક્રિકેટર છે એ વાત કોઈપણ જાણકાર સમજી શકે છે.