પુતિને કહ્યું- દુશ્મનો સાથે પણ સારા સંબંધો બનાવીશું; સેનાએ 21 તોપોની સલામી આપી
ખાસ-ખબર ન્યૂઝ મોસ્કા, તા.8
- Advertisement -
વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. પુતિને મોસ્કોના ગ્રાન્ડ ક્રેમલિન પેલેસમાં 33 શબ્દમાં શપથ લીધા હતા. આ એ જ જગ્યા છે, જ્યાં રશિયાના ઝાર પરિવારના ત્રણ રાજા (એલેક્ઝાન્ડર II, એલેક્ઝાન્ડર III અને નિકોલસ II)ની તાજપોશી થઈ હતી. શપથ બાદ પુતિને કહ્યું, “અમે વધુ મજબૂત બનીશું. જે દેશો અમને દુશ્મન માને છે તેમની સાથે અમે અમારા સંબંધો મજબૂત કરીશું. હું જનતાનો વિશ્ર્વાસ જાળવી રાખવા માટે શક્ય એટલું બધું કરીશ.” રશિયામાં 15-17 માર્ચે યોજાયેલી ચૂંટણીમાં પુતિનને 88% વોટ મળ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી નિકોલે ખારીતોનોવને માત્ર 4% મત મળ્યા. અમેરિકા, બ્રિટન અને ઘણા યુરોપિયન દેશોએ રશિયામાં આયોજિત આ સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.
પુતિને આ પહેલાં વર્ષ 2000માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ તેઓ 2004, 2012 અને 2018માં પણ રાષ્ટ્રપતિ બન્યા હતા. શપથગ્રહણ સમારોહમાં રશિયાની ફેડરલ કાઉન્સિલ, સ્ટેટ ડુમાના સભ્યો (નીચલા ગૃહના સાંસદો), હાઈકોર્ટના જજ, રાજદૂતો અને વિવિધ દેશોના ડિપ્લોમેડિક કોર્પ્સના સભ્યોએ હાજરી આપી હતી. 2018માં પુતિનના ચોથા શપથગ્રહણમાં ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર જેરહાર્ડ શ્રોડર સહિત લગભગ 6 હજાર લોકો હાજર હતા. એનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. સમારોહ પછી, રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડા કેથેડ્રલ ચર્ચમાં રાષ્ટ્રપતિ સાથે પ્રાર્થના કરે છે. તેઓ રાષ્ટ્રપતિને કહે છે કે દેશની જનતાએ તેમના પર વિશ્ર્વાસ કર્યો છે, સાથે તેમના લાંબા આયુષ્યની પણ કામના કરે છે. આ પ્રથા 1498થી ચાલુ છે, જ્યારે મોસ્કોના પ્રિન્સ દિમિત્રી ઇવાનોવિચના લગ્ન થયા હતા. સમારોહની શરૂૂઆતમાં રશિયાનું પ્રેસિડેન્શિયલ બેન્ડ એ જ ધૂન વગાડે છે, જે 1883માં એલેક્ઝાંડર IIIની તાજપોશી સમયે વગાડવામાં આવી હતી.