ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને કોઈ મતદાર છુટે નહીં તે માટે ચૂંટણીતંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ચૂંટણીપંચની સરાહનીય પહેલ અનુસાર 85 વર્ષથી વધુ ઉમરના વૃદ્ધજનો ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુવિધા ઊભી કરાઈ છે. આ સરાહનીય પહેલ કરવા બદલ ચૂંટણી પંચ તેમજ ઘરે આવેલ સન્માનિત સ્ટાફનો આભાર માની કામગીરીને દાનભાઈ ખાંભલા દ્વારા હર્ષ ની લાગણીથી સન્માનવામાં આવેલ.
જૂનાગઢ સંસદીય મતવિસ્તાર અંતર્ગત 89 માંગરોળ વિધાનસભા મતદાર વિભાગ અંતર્ગત વિવિધ વૃદ્ધ અને અશક્ત મતદારો માટે ચુંટણી તંત્ર તેમનાં ઘરે મત કુટીર લઈ ગયું હતું.
નોંધનીય છે કે, ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, માઇક્રો ઓબઝર્વર, બી.એલ.ઓ. તેમજ ફોટોગ્રાફર અને પોલીસની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી. હોમ વોટીંગ માટે ફોર્મ 12-ડી ભરવાનું હોય છે. જેના માટે બી.એલ.ઓ દ્વારા વયસ્કો અને દિવ્યાંગ મતદારોનો સંપર્ક કરવામાં આવે છે. ત્યારબાદ ચૂંટણીપંચ તરફથી જરુરી પ્રક્રિયા બાદ વયસ્કો અને દિવ્યાંગ મતદારોને ઘરે રહીને મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી મળે છે. પોસ્ટલ બેલેટ પર ઉમેદવારના નામ અને ફોટાવાળા લિસ્ટમાં જેને મત આપવાનો છે તેની સામે મતદાન કુટિરની અંદર સ્ટેમ્પ લગાવે છે. પછી આ પત્રક વાળીને ઝોનલ અધિકારીને સુપરત કરે છે.