શતાયુ મતદાતા રૂપીબેન કરંગીયાનો મતદાનનો નિર્ધાર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
- Advertisement -
જૂનાગઢ શહેરના નિવાસી 104 વર્ષીય રૂપીબેન કરંગીયા આગામી તા.7 મે ના રોજ પરિવારજનો સાથે તેમનો કીંમતી મત આપી અન્યોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપશે.
લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિક હોંશે હોંશે ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જૂનાગઢ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. સમગ્ર રાજ્યની સાથે આગામી તા.7 મેના રોજ લોકસભા સામાન્ય અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જૂનાગઢ શહેરના રામદેવપરા વિસ્તારમાં રહેતા 104 વર્ષના મતદાતા રૂપીબેન કરંગીયા લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં યુવાનો માટે પ્રેરણારૂપ બનશે.
રૂપીબેને જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. જો અમારા જેવા 100 વર્ષ વટાવી ચૂકેલા મતદારો મતદાન કરવા ઉત્સાહપૂર્વક જઈ શકતા હોય તો એ યુવાનોએ પણ અવશ્ય મતદાન કરવું જોઈએ.રૂપીબેન ગર્વથી વધુમાં કહે છે કે, તેમણે લગભગ દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે. અને આ ચૂંટણીમાં પણ હું મારા પરિવારજનો સાથે અવશ્ય મતદાન કરીશ. તેમણે મતદાનના દિવસે કોઈપણ બહાનું બતાવ્યા વગર જરૂરથી પોતાનો કિંમતી મત આપવા અન્ય નાગરિકોને અપીલ પણ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, લોકશાહીના મહાપર્વમાં દરેક મત મહત્વનો છે.યુવાન અબાલ વૃદ્ધ, દિવ્યાંગ એમ સૌ કોઈ મતદાતાની ભાગીદારી જ લોકશાહીને સાર્થક કરે છે.