હનુમાન જયંતીના અવસરે 500થી વધુ કારની વિશાળ યાત્રા: સાંજે સ્પીડવેલ ખાતે ધર્મસભા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
ભારતીય શાસ્ત્રો અનુસાર અષ્ટ ચિરંજીવી વિભૂતિઓ પૈકીના એક એવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મદિવસ એટલે કે હનુમાન જયંતી ચૈત્ર માસની શુક્લ પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવશે. તારીખ 23 ને મંગળવારના રોજ હનુમાન જયંતિના શુભ દિવસે શ્રી ફાઉન્ડેશન તથા શેર વિથ સ્માઈલ એન.જી.ઓ. દ્વારા શ્રી કષ્ટભંજનદેવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન સ્થળ ચૌધરી હાઈસ્કુલ (રાજકોટ) રહેશે કે જ્યાંથી 1008 કાર તદુપરાંત બાઈક્સ સાથે આ યાત્રાની શરૂઆત થશે. ત્યાંથી શરૂ કરીને આ શોભાયાત્રા સ્પીડવેલ ચોક પર પૂર્ણાહુતિ પામશે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સુવર્ણભૂમી ચોકમાં ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ધર્મસભામાં હિન્દુ ધર્મ આચાર્ય સભાના ક્ધવીનીયર – સેક્રેટરી પૂ. પરમાત્માનંદ સ્વામીજી તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તથા રાજકોટ શહેરના ખ્યાતનામ વિભૂતિઓની પણ હાજરી રહેશે. આ ધર્મસભામાં 3000થી વધુ લોકો હનુમાનજીની આરતી કરશે તથા હનુમાનચાલીસાનો પાઠ કરશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિના પાયા સમાન એકતા અને સમાનતાના સનાતન વિચારને વધુ સુદૃઢ
બનાવવાનો રહેશે.
શોભાયાત્રા સાંજે 4-30 કલાકે ચૌધરી હાઈસ્કૂલથી પ્રસ્થાન કરશે અને સાંજે 7 કલાકે સ્પીડવેલ ચોક ખાતે ધર્મસભા યોજાશે. આ અલૌકિક શોભાયાત્રા અને ધર્મસભામાં સહભાગી બનવા રાજકોટની જનતાને આમંત્રણ પાઠવાયું છે. આ તકે પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણી, મોહનભાઈ કુંડારીયા, ભાનુબેન બાબરીયા, રમેશ ટીલાળા, રામભાઈ મોકરીયા, ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ, ભરત બોઘરા, મુકેશ દોશી સહિતના રાજકીય આગેવાનો હાજરી આપશે. આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલય ખાતે અનિરૂદ્ધસિંહ વાળા, બ્રિજેશ પડીઆ, અભિરાજસિંહ તલાટીયા, ચિરાગ પોપટ, જયભાઈ ચાવડા અને મયુરભાઈ નથવાણી આવ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા માટે સુરજભાઈ ડેર, બ્રીજેશભાઈ પટેલ, કપિલભાઈ પંડ્યા, કેયુરભાઈ રૂપારેલ, સર્વેશ્ર્વરભાઈ ચૌહાણ, અભિષેકભાઈ તાળા, વિજયભાઈ મકવાણા, જયભાઈ ખારા, હિરેનભાઈ ખીમાણીયા તથા નીખીલભાઈ પોપટએ જહેમત ઉઠાવી છે.