સગીરા દુષ્કર્મ કેસના આરોપીને મદદ કરનાર કેશોદના શખસની ધરપકડ
પાર્ક-ઇન હોટલમાં બે મહિના સુધી દુષ્કર્મ આચર્યું : દર મહિને 27 હજાર રૂપિયા હોટલનું ભાડું ચૂકવતો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સદર બજાર નજીક આવેલી હોટલ પાર્ક ઈનમાંથી ઝડપાયેલા બહુચર્ચિત સેક્સ રેકેટમાં ધરપકડ કરાયેલા રૂપલલનાઓનો દલાલ મૂળ કેશોદનો પ્રભુદાસ હોવાનું ખૂલ્યું છે. હાલ રાજકોટના ગોંડલ રોડ પર રહેતા પ્રભુદાસ ઉર્ફે દાસ ચંદુલાલ કક્કડની મહિલા પોલીસે ધરપકડ કરી છે. હોટલ પાર્ક ઈનમાં ગોંધી રખાયેલી અને હવસનો શિકાર બનાવાયેલી સગીરાના કેસમાં મુખ્ય આરોપી મૂળ યુ.પી.નો સંતોષ કુશવાહને પ્રભુદાસે મદદ કરી હતી, આથી મહિલા પોલીસે પ્રભુદાસની ધરપકડ કરી છે. સંતોષ કશવાહે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવા માગતો હતો, પરંતુ સગીરાને 18 વર્ષમાં બે-ત્રણ મહિના બાકી હોવાથી હોટલમાં ગોંધી રાખી હતી. સંતોષ મહિને હોટલનું 27 હજાર ભાડું ચૂકવતો હતો.
મૂળ અલીગઢનો અને રાજકોટમાં કારખાનું ધરાવતો સંતોષ તેના મકાનમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. તે પુત્રીની ઉંમરની આ તરુણી સાથે બીજા લગ્ન કરવા માગતો હતો, પરંતુ તરુણીની ઉંમરને 18 વર્ષ આડે બે-ત્રણ મહિના બાકી હોવાથી ત્યાં સુધી તેને હોટલ પાર્ક ઈનમાં રાખી હતી, જેનું દર મહિને તે રૂપિયા 27 હજાર ભાડું ચૂકવતો હતો. આરોપીના રિમાન્ડ દરમિયાન મહિલા પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તરુણીને ભગાડવામાં આરોપી પ્રભુદાસે તેને મદદ કરી હતી. તરુણીને ઘરેથી ભાગવા માટે તેણે જ રિક્ષાની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત તેને હોટલ પાર્ક ઈનમાં રહેવા માટે રૂમની પણ વ્યવસ્થા તેણે જ કરી આપી હતી.