સમગ્ર દેશમાં કપાસના વાવેતરમાં ગુજરાતનો હિસ્સો 18.11 ટકા
સફેદ સોનું ગણાતા સૌરાષ્ટ્રના કપાસની વિદેશમાં વધતી ડીમાન્ડ: રોગચાળા ઉપર નિયંત્રણ આવે તો કપાસનું ઉત્પાદન હજુ વધે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
સફેદ સોનુ ગણાતા કપાસના વાવેતરને રોકડિયો પાક ગણવામાં આવે છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં કપાસનું વાવેતર નોંધપાત્ર રહ્યું છે. કપાસનાં પાકમાં સૌથી વધુ વાવેતરમાં સુરેન્દ્રનગર જિલ્લો મોખરે છે. બીજો ક્રમ અમરેલી જિલ્લાનો આવે છે. જયારે કપાસનાં પાકની સૌથી વધુ ઉત્પાદકતા ગિરસોમનાથ જિલ્લામાં જોવા મળે છે.
કપાસનાં પાકમાં ગુજરાતની કૃષિનો સૌથી વધુ નફો કમાઈ આપનાર પાક ગણાય છે. ગુજરાતમાંથી જે કપાસ ઉત્પાદિત થાય છે તે ભારતનાં અન્ય રાજયોનાં કાપડ ઉદ્યોગો માટે તથા નિકાસ દ્વારા વિદેશી કાપડ ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કપાસનાં ઉત્પાદન તંત્ર વિશે તજજ્ઞાો જણાવે છે કે, ગુજરાતમાં કુલ વાવેતરનાં 20 ટકા હિસ્સો કપાસ ધરાવે છે.
- Advertisement -
ગુજરાતએ ભારતનું બીજા ક્રમનું કપાસનાં વધુ વાવેતર અને ઉત્પાદન ધરાવતું રાજય છે. દેશના કુલ કપાસનાં ઉત્પાદનમાં ગુજરાતનાં હિસ્સો 18.11 ટકા જેટલો રહ્યો છે. ગુજરાત રાજયનાં જે જિલ્લાઓ કપાસના વાવેતરમાં પ્રથમ ક્રમે આવે છે તેમાં ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા છોટા ઉદેપુર, નર્મદા અને ભરૃચનો સમાવેશ થાય છે.
કપાસનાં વેપાર સાથે જોડાયેલા સુત્રો જણાવે છે કે, કપાસનાં ભાવોમાં છેલ્લા દોઢ દાયકા દરમિયાન જે સુધારો જોવા મળવો જોીએ તે મળ્યો નથી. પરિણામે કપાસનું વાવેતર ખેડૂતોને હતોત્સાહિત કરી રહ્યું છે. છેલ્લા વર્ષોમાં કપાસના વાવેતરમાં લાલ ઈયળ, પાકનું અચાનક બગડી જવું અને અન્ય રોગોએ ખેડૂતોને વધુ મુશ્કેલીમાં મુક્યા છે.આ સંજોગોમાં ગુજરાતના કપાસનાં પાકની સ્થિતિને જાળવી રાખવી હોય તો કપાસનાં પાકમાં રોગ નિવારણ માટે ત્વરીત પગલાં લેવા જોઈએ તેમજ કપાસનાં પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે વિદેશી બજારને અનુરૃપ આવશ્યક પગલાં લેવા જોઈએ.