વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂતનો આક્ષેપ: ફોટા-વિડીયો ફરતા થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
યુનિવર્સિટીમાં 10 કરોડનો ખર્ચ ગેરકાયદે મંજૂર કર્યાનો ઓડિટ પેરામાં ઘટસ્ફોટ થયો અને તત્કાલીન કુલપતિ ડો. જોષીપુરાના કાર્યકાળમાં અનેક ગેરરીતિ થયાના આક્ષેપ અગાઉ કરાયા હતા, પરંતુ હવે યુનિવર્સિટીના જ કાયદા ભવનમાં નિવૃત્તિ પછી ત્રણ વર્ષે પણ ડો.કમલેશ જોષીપુરાની ચેમ્બર હજુ ચાલુ રાખવામાં આવી છે. તેમના નામની નેમપ્લેટ, ખુરશી, એસી સહિતના ઉપકરણો પણ હોવાના ફોટા અને વીડિયો સાથે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે આક્ષેપ કર્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નિવૃત્ત થયો છું નકામો નહીં તેવું માનતા જોષીપુરા નિવૃત્તિ પછી ત્રણ વર્ષે પણ યુનિ.ના કાયદા ભવનમાં તેઓની ચેમ્બરને તાળું મારી રાખી મુકવામાં આવી છે.આજે પણ આ બંધ ચેમ્બરમાં 2 એરકન્ડિશનર અને રાચરચીલું ફર્નિચર જોષીપુરા માટે નિવૃત્તિના ત્રણ વર્ષે અનિયમિત રીતે યથાવત રાખવામાં આવ્યું છે.
કાયદાની ભાષામાં આ ઘટનાને લેન્ડ ગ્રેબિંગની જેમ ઓફિસ ગ્રેબિંગ જેવી ગણી શકાય. પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ આ ઓફિસ ખાલી કરાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.વર્તમાન કાર્યકારી કુલપતિ આ લાલિયાવાડી ચલાવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીનેતાએ જણાવ્યું હતુ કે અન્ય કોઇ પ્રોફેસર કે અધિકારી જો નિવૃત્ત થયા હોય તો પછી તેઓ સામે કોઈ જોતુ પણ નથી અને આવી આ કિસ્સામાં આ રીતે અનઅધિકૃત રીતે સરકારી સંસ્થામા ભવ્ય ચેમ્બર કોના કહેવાથી આપવામા આવી છે ?
સતાધિસો દ્વારા આ ચેમ્બર ખાલી કેમ કરાવામાં નથી આવતી ? કેમ્પસમાં આવેલી એક સામાન્ય અપંગ વ્યક્તિની કેન્ટિન અને સ્ટેશનરી જે રીતે ઉભાઊભ ખાલી થઈ હતી તો એ જ રીતે આ ચેમ્બર ખાલી થશે કે? એન્ટી ચેમ્બર ધરાવતી આ ઓફીસમા દરરોજ સાફસફાઈ કરવામાં આવે છે તેમજ જ્યારે પણ ડો.જોશીપુરા યુની. પર આવે ત્યારે ડબલ એરકન્ડિશનર અને અન્ય ઉપકરણો ચાલુ રાખે એ લાઇટ બિલ ચડે છે આ તમામ ખર્ચ વિદ્યાર્થીઓના હક્કના પૈસામાથી વ્યય થતો હોય ત્યારે આજ દિન સુધીનો ઉપરોક્ત તમામ ખર્ચ ડો.જોશીપુરા પાસેથી વસૂલ કરવામા અને તત્કાલ અનધિકૃત ચેમ્બર ખાલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.