ટેક કંપની માઇક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે, ચાઇનીઝ હેકર્સ AI ટૂલ્સનો ઉપયોગ કરીને લોકસભા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરી શકે છે
ભારતમાં આ મહિને લોકસભા ચૂંટણી 2024 શરૂ થવા જઈ રહી છે પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ટેક કંપની માઇક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે, ચાઇનીઝ હેકર્સ AI ટૂલ્સનો ઉપયોગ કરીને લોકસભા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરી શકે છે. આ પહેલા પણ સરકારને ચેતવણી મળી હતી કે, ચીની હેકર્સ AI ટૂલ્સ દ્વારા ચૂંટણીને પ્રભાવિત કરવા માંગે છે.
- Advertisement -
જાણો શું કહ્યું માઈક્રોસોફ્ટે ?
માઈક્રોસોફ્ટે પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, આ વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં મોટી ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેમાં ભારત, દક્ષિણ કોરિયા અને અમેરિકા જેવા કેટલાક મોટા દેશોના નામ સામેલ છે. આવી સ્થિતિમાં ચીન પોતાના ફાયદા માટે AI જનરેટેડ કન્ટેન્ટ અને ટૂલ્સનો ઉપયોગ કરીને મતદારોને પ્રભાવિત કરી શકે છે. ચીને આ પહેલા પણ આવા પ્રયાસો કર્યા છે.
AI નો ઉપયોગ કરીને કેવી રીતે પ્રભાવિત કરી શકે ?
માઈક્રોસોફ્ટ અનુસાર AI ટૂલ્સ હેકર્સ માટે હથિયાર જેટલા ખતરનાક સાબિત થઈ રહ્યા છે,કારણ કે તેઓ તેનો ઉપયોગ તેમની ઈચ્છા મુજબ કરી રહ્યા છે. હવે આ AI ટૂલ્સ દ્વારા ડીપફેક અને એડિટેડ વીડિયો બનાવવાનું સરળ છે. હેકર્સ સરળતાથી નકલી એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે અને પ્રખ્યાત નેતાઓના અવાજને પણ ક્લોન કરી શકાય છે પછી મોટા પાયે જાહેરમાં શેર કરી શકાય છે ત્યારબાદ તે વાયરલ થઈ શકે છે અને લાખો લોકો સુધી પહોંચી શકે છે.
તાઈવાનની ચૂંટણીમાં કરવામાં આવ્યું હતું આ કામ
કંપનીએ તેની પોસ્ટમાં એમ પણ કહ્યું કે, જાન્યુઆરી 2024માં તાઈવાનની રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે AI કન્ટેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. AI-જનરેટેડ સામગ્રી સાથે વિદેશી ચૂંટણીને પ્રભાવિત કરવાનો આ પહેલો પ્રયાસ હતો. મેમ્સ, વીડિયો અને ઓડિયોને વધારવા માટે ચીન આ પ્રકારના પ્રયોગનો સતત ઉપયોગ કરી રહ્યું છે.