240 સાયકલ પૈકી હાલ રાજકોટ મનપા પાસે 190 સાયકલ, જેમાંથી માત્ર 20થી 25 જ કાર્યરત: ચલાવનાર માત્ર 10 પ્રતિ દિવસ
તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વખતે શરૂ કરાયો’તો પ્રોજેકટ, આજે અદ્ધરતાલ !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
વર્ષ 2014થી 16 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વખતે સાયકલ શેરીંગ પ્રોજેક્ટ અમલી બનાવ્યો હતો અને જે તે વખતે રાજકોટ મનપા દ્વારા વિવિધ સંસ્થાઓની આર્થિક સહાયથી 240 જેટલી સાયકલની ખરીદી કરી હતી અને કોર્પોરેશને પ્રતિ વર્ષ મેન્ટેનન્સ કરવા માટેની જવાબદારી સ્વીકારી હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જાણે આ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ લોકો માટે અને રાજકોટ માટે ક્રાઈંગ પ્રોજેક્ટ સાબિત થયો છે. હાલ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે પ્રતિ દિવસ માત્ર દસ લોકો સાયકલ ચલાવે છે ત્યારે બાકી બધી સાયકલો સાવ મૃત:પાય અવસ્થામાં જોવા મળી રહી છે.
બીજી તરફ સાયકલો જે રાખવામાં આવી છે તેમાં ઘણી સાયકલના ટાયર ફાટી ગયા છે તો ઘણી સાયકલોમાં પંચર પણ પડી ગયું છે જેનું મેન્ટેનન્સ હાલ રાજકોટ મનપા દ્વારા કરવામાં ન આવતું હોય તે સ્પષ્ટ દેખાય છે. બીજી તરફ રાજકોટ મનપા પ્રતિવર્ષ બે લાખ રૂપિયાનો ખર્ચ રીપેરીંગ તથા મેન્ટેનન્સ પાછળ કરતું હોવાનું જણાવી રહ્યું છે ત્યારે આટલી મોટી વિસંગતતા શું કામ તેનો કોઈ અંદાજો નથી. બાલ ભવન સામે આવેલા પ્લોટમાં સાયકલ શેરીંગ પ્રોજેક્ટ યુનિટ ઉભો કરવામાં આવ્યો છે જેમાં 90થી 100 સાયકલો સંપૂર્ણ સડી ગઈ હોય તો નવાઈ નહીં. આ તમામ સ્થિતિને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા આ સાયકલનો સ્ક્રેપ શું કામ નથી કરતી તેનો કોઈ જવાબ નથી અને આ મુદ્દે અનેક તર્કો પણ ઉદ્ભવિત છે. મળતી માહિતી મુજબ આ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ માટે ત્રણ મજૂરો, એક આઉટસોર્સિંગનો વ્યક્તિ મેન્ટેનન્સ માટે નિમણુંક કરવામાં આવ્યો છે જે સાયકલોની દેખરેખ કરે છે પરંતુ હાલ જે ચિત્ર મળી રહ્યું છે તે મેન્ટેનન્સ કરનાર વ્યક્તિ ખરા અર્થમાં સાયકલોની દેખરેખ કરતું હોય એવું લાગતુ નથી.
- Advertisement -
લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે ક્યાંક રાજકોટ મનપા દ્વારા સાયકલ શેરીંગ પ્રોજેક્ટને અમલી બનાવ્યો હતો પરંતુ આ પ્રોજેક્ટ માત્ર દસ વર્ષમાં જ અદ્ધરતાલ ચડી ગયો અને જાણે સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યો હોય તો નવાઈ નહીં. પ્રશ્ર્ન એ જ છે કે આ પ્રોજેક્ટ શું કામ નિષ્ફળ ગયો, તેના ક્યા કારણો છે? અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ત્યાં સ્માર્ટ સાયકલ ક્ધસેપ્ટ અમલી બનાવી દેવામાં આવ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ માત્ર પાંચ રૂપિયા ટોકન દર નક્કી કર્યો હોવા છતાં પણ લોકો દ્વારા આ પ્રોજેક્ટને શું કામ સ્વીકૃતિ આપવામાં ન આવી? હાલ સાયકલ પ્રોજેક્ટ જે અમલી બનાવવામાં આવ્યો તેમાં સાયકલ મૂકવામાં આવી હતી તે સાયકલ કોઈ સાયકલીસ્ટ ન ચલાવે તો આ પ્રોજેક્ટ શું કામનો? આ મનપાનો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ હવે માત્ર શોભાના ગાંઠીયા સમાન જ બની રહ્યો છે.
150થી વધુ સાયકલો એવી છે કે જે સહેજ પણ ચાલી શકે તેમ નથી ત્યારે ખરા અર્થમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટને ડીકમીશન કરવું જોઈએ જેની પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે હાલ જે સાયકલો નકામી થઈ ચૂકી છે તેની પાછળ તેનું મેન્ટેનન્સ કરવું પણ એટલું જ ખર્ચાળ બની જાય અને જો આ પ્રોજેક્ટને ડીકમીશન કરી દેવામાં આવે અથવા તો જે સાયકલો નકામી થઈ ચૂકી છે તેને સ્ક્રેપ કરી ત્યારબાદ અદ્યતન સાયકલ વિકસાવવામાં આવે તો ફરી લોકોનો સાયકલ ચલાવવા પ્રત્યેનો ક્રેઝ વધી શકે છે. આ અંગે જો રાજકોટ મહાનગરપાલિકા ગંભીરતાથી નહીં વિચારે તો લોકોને પણ હાલાકી ભોગવવી પડશે એટલું જ નહીં ઘણી જગ્યા પણ રોકશે. હાલ આ સાયકલ કોઈના ઉપયોગમાં આવતી નથી ત્યારે આટલી બધી સાયકલોનો ખડકલો શું કામ રાજકોટ મનપાએ કર્યો છે તેનો કોઈ જવાબ હજુ સુધી મળ્યો નથી અને અધિકારીઓ પણ આ અંગે મૌન સેવી રહ્યા છે.