ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી સંદર્ભે તા. 16 માર્ચ, 2024ના રોજ લાગુ કરવામાં આવેલી આચારસંહિતાના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોશીએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના તમામ પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાનાવાળા હથિયાર જમા કરાવવા આદેશ આપ્યો છે. જે મુજબ હથિયારધારકોએ તેમના હથિયાર જાહેરનામું પ્રસિદ્ધથી દિવસ-7માં રાજકોટ ગ્રામ્યના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે અનામત જમા કરાવી દેવાના રહેશે. સંબંધિત પોલીસ સ્ટેશન પરવાનેદારને તેમનું હથિયાર તા. 6-6-2024 બાદ પરત કરશે. રાજકોટ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ દ્વારા 1212 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 866 હથિયારો જમા લેવામાં આવ્યા હતા. અને બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. બાકીના હથિયારો જમા લેવાની કામગીરી પ્રગતિ હેઠળ છે, તેમ રાજકોટ પોલીસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં આવેલી સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહીત), સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ તથા રાજય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનારા રમતવીરો, કેન્દ્ર સરકાર તેમજ કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલી હોય તેવા રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તથા જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટએ ખાસ પરવાનગી આપેલી હોય, તેમને આ હુકમો લાગુ પડશે નહીં. માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેનને તેમના હથિયર જમા કરાવવામાં મુકિત આપવામાં આવે છે. અ ાવા સિકયુરીટી ગાર્ડએ બેંકમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધિત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર પાસે રાખવાનું રહેશે. આ હુકમોનો ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.