રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે ઓસમાણ મીર અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
હાલ રાજકોટમાં રહેતા કચ્છી કલાકાર ઓસમાણ મીરને ભારત સરકારના સંગીત નાટ્ય અકાદમી દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
- Advertisement -
બાદમાં રાજકોટ પોતાના નિવાસસ્થાને આવતા તેમનું પરિવાર દ્વારા ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ મેળવવાની ખૂબ ખુશી છે અને આ એવોર્ડ મેળવતાં વધુ સારું લોક ભોગ્ય ગાયન લોકો સુધી પહોંચાડવાની જવાબદારી વધી ગઈ છે. તેમણે શ્રોતાઓ માથાના મુગટ સમાન છે તેમ કહી તેમનું પ્રખ્યાત ગીત ‘મોર બની થનગાટ કરે’ લલકાર્યું હતું.
ઓસમાણ મીરે વધુમાં જણાવ્યુ હતું કે, ભારત સરકારના સંગીત નાટ્ય અકાદમી દ્વારા નેશનલ એવોર્ડ મળ્યો તેનાથી ખૂબ ખુશ છું. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો. જેથી હવે લોકસંગીત અને સાંસ્કૃતિક વારસાને આગળ વધારવાનો પ્રયાસ કરીશ.
વધુમાં જણાવ્યું હતું કે, મારા શ્રોતાઓએ માથાના મુગટ સમાન છે. તેમનાં થકી જ હું અહીં સુધી પહોંચી શક્યો છું. કચ્છના કલાકાર તરીકે રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું છે ત્યારે મેં ગાયેલું ગીત મને યાદ આવે છે તેમ કહી ‘મારું મન મોર બની થનગાટ કરે’ ગીત લલકાર્યુ હતું. આગળ કહ્યું હતું કે, મને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળતા શ્રોતાઓ પ્રત્યેની મારી જવાબદારી વધી ગઈ છે અને તેથી વધુમાં વધુ લોકભોગ્ય લોકગીતોનું નિર્માણ કરી શ્રોતાઓના મન ડોલાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતી દ્રોપદી મૂર્મુના હસ્તે કચ્છી કલાકાર અને રાજકોટ રહેતા ઓસમાણ મીરની સાથે જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને સંગીત નાટ્ય અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી, કાયદો, ન્યાય તથા પાર્લામેન્ટરી અફેર્સ અને સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાળ, સંગીત નાટ્ય એકાદમીના ચેરમેન સંધ્યા પુરેચા, સાંસ્કૃતિક મંત્રાલયના મહામંત્રી ગોવિંદ મોહન ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બંને કલાકારોને તામ્રપત્ર, શાલ અને 1 લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.