85 અન્નક્ષેત્રઓએ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા સ્ટેમ્પ પેપર પર લેખિત બાંહેધરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો પધારે છે, ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો અને લોકો પાસેથી ભારતીય વન સંરક્ષણ અધિનિયમ – 1972 અન્વયે તા. 29-2-24 થી તા. 5-3-24 સુધીમાં 38 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે, જેના દંડની રકમ પેટે રૂ .75,550 વસૂલાત કરવામાં આવી છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા 32 ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે. જેના દંડ પેટે રુ.9,800ની વસૂલાત કરવામાં આવી છે. આમ, 7 દિવસમાં રુ. 85,000 દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા મહાશિવરાત્રિના મેળામાં 85 જેટલા અન્નક્ષેત્રને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે આ અન્નક્ષેત્રો- ઉતારા મંડળને મંજૂરી આપતા પૂર્વે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધિત છે, તેની જાણ કરવામાં આવી છે. અન્નક્ષેત્રના સંચાલકો દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવાની લેખિત બાંહેધરી પણ સ્ટેમ્પ પેપર પર આપવામાં આવી છે.પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા અને જરુરી કાર્યવાહી હાથ ધરવા વન વિભાગ દ્વારા 3 પ્લાસ્ટિક મોબાઈલ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જે તળેટી વિસ્તારમાં આવેલ અન્નક્ષેત્રો અને દુકાનોમાં ફેરણું કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે જરુરી કાર્યવાહી કરવાની સાથે વન્યપ્રાણી અને જંગલને સંબંધિત ગુન્હાઓ ન બને તેની કાળજી લઈ રહ્યા છે. આ માટે 4 રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત 12 વનકર્મીઓ
કાર્યરત છે.