ખાસ-ખબર સંવાદદાતા
કેશોદ શહેરના વોર્ડ નં 6 માં આવેલ આનંદ એપાર્ટમેન્ટ નજીક પાલિકાએ રાતો રાત રોડ બનાવી નાખ્યો હતો. જયારે વહેલી સવારના આ રોડ પર વાહનો પસાર થતાં રોડથી કપચી છુંટી પડી જતી હોય સ્થાનિકોએ રોડ બનાવવા ડામરનો એકદમ ઓછો ઉપયોગ કરાતા હલ્લાબોલ કર્યો હતાં. આ ઘટનાને લઈ સ્થાનિકોએ રોડને પગ વડે ખોતરી કપચીને હાથમાં લઈ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો અને પાલિકાએ બનાવેલ રોડમાં લોટ પાણીને લાકડાં હોવાનું કહી રોષ વ્યક્ત કર્યો હતો. એવા સમયે આ રોડ પરથી પાલિકા પૂર્વ ઉપપ્રમુખ ગૌરાંગભાઇ વ્યાસ, વોર્ડ નં 6 ના ચાલું સદસ્ય પતિ કાળુભાઈ રામાણી પસાર થતાં તેમને પુંછતા તેમને કાંઈ ખ્યાલ ન હોય જવાબ દેવાનું ટાળી પાલિકા પ્રમુખને જાણ કરી હતી. રોડ રિ-સર્ફેસિંગ કામ નબતું થતું હોય તેવું સ્વિકારી સારી કામગીરીની બાંહેધરી બાદ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ શહેરમાં જુદી જુદી યોજના હેઠળ થતાં કામમાં કયાંય પણ કચાસ રહેતી જોવા મળે તો તેમનો 24 કલાક ફોન ચાલું રહેતો હોય ફરિયાદ કરવા જણાવ્યું હતું અને કચાસ રહેવા દઈશું નહીં તેવી બાંહેધરી આપી હતી.