સરેરાશ તાપમાન 3 ડિગ્રી વધતાં જ નદીઓ સુકાઇ જશે
હિમાલય વિસ્તારમાં પણ પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત સર્જાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં જ હિમાલયના 90 ટકા વિસ્તારને એક વર્ષ માટે દુષ્કાળનો સામનો કરવો પડશે. એક નવા સંશોધનમાં સામે આવેલા નવા સત્યો ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયા છે. દેશનું સરેરાશ તાપમાન વધતાં સૌથી ખરાબ અસર હિમાલયના વિસ્તારો પર પડશે. હિમાલય વિસ્તારમાં પણ પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત સર્જાશે.
અહેવાલમાં જણાવ્યા મુજબ 80 ટકા ભારત હીટ સ્ટ્રેસનો સામનો કરી રહ્યું છે. તેને રોકવા માંગો તો પેરિસ એગ્રીમેન્ટ મુજબ તાપમાનને દોઢ ડિગ્રી સેલ્સિયસ પર રોકવું જોઇએ. તાપમાન 3 ડિગ્રીની કક્ષાએ પહોંચી જશે તો સ્થિતિ ખૂબ કથળી જશે. ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ આંગ્લિયાના સંશોધકોના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલા સંશોધનમાં આ તારણો સામે આવ્યાં છે. અલગ અલગ આઠ અભ્યાસોને સામે રાખીને આ નવો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ આઠેય અભ્યાસ ભારત, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથિયોપિયા અને ઘાનાને કેન્દ્રમાં થયેલા અભ્યાસો છે. આ તમામ વિસ્તારોમાં જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને વધી રહેલા તાપમાનને કારણે પૂર, દુષ્કાળ કે બાયોડાયવર્સિટીમાં ઘટાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે તો ભારતમાં પોલીનેશન કે પરાગ પ્રક્રિયામાં જ અડધોઅડધ ઘટાડો થશે. તેને કારણે કૃષિ ક્ષેત્ર પરની ભીંસ વધશે. ખેતીલાયક વિસ્તારમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાશે. તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે તો પરાગ પ્રક્રિયામાં ચોથાભાગ જેટલો ઘટાડો થશે. 30 વર્ષે એકાદ વાર જોવા મળતા ભીષણ દુકાળનો સામનો કરવો પડી શકે છે. વધી રહેલા તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ પર રોકી દેવામાં આવે તો કૃષિ ભૂમિને સુકાતી બચાવી શકાય તેમ છે.
તાપમાનને 2 ડિગ્રી સુધી રોકી રાખવું જરૂરી
તાપમાનને 2 ડિગ્રી સુધી રોકી રાખવામાં સફળતા મળશે તો પણ વિશ્વ ફાયદામાં રહેશે. અભ્યાસમાં આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના વિસ્તારોને મુદ્દે પણ ચિંતા જાહેર કરવામાં આવી છે. જરૂરી એટલું જ છે કે કોઇપણ ભોગે વધી રહેલા તાપમાનને રોકવામાં આવે. યુએઇના પ્રોફેસર રેશેલ વારેને કહ્યું કે ભારતને જો આવી કુદરતી સંકટથી બચાવવું હોય તો પેરિસ સમજૂતી પ્રમાણે પગલાં લેવામાં આવે તે જરૂરી છે અન્યથા સંકટ વકરશે.