ખાસ-ખબર સંવાદદાતા
છેવાડાના માનવીનો પણ સર્વાંગી વિકાસ થાય તેવું સરકારનું લક્ષ્ય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડક્લાસ સુવિધાઓના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે. ગુજરાતમાં પણ પાયાની સુવિધાઓમાં દિન – પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.25 ફેબ્રુઆરીએ રાજકોટ પધારી પ્રજાલક્ષી સંખ્યાબંધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહુર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓની સુખાકારીમાં વધારો કરવા ‘અમૃત મિશન’ અંતર્ગત રૂ.203.61 કરોડના છ પ્રકલ્પોનું લોકાર્પણ તથા “અમૃત મિશન 2.0’ અંતર્ગત રૂ.291.49 કરોડના 22 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના વરદહસ્તે કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શહેરી વિકાસ માટે કેન્દ્રીય પ્રાયોજિત “અટલ મિશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અખછઞઝ) યોજના 25 જુન, 2015થી શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે પાયાની સુવિધાઓ વંચિત નાગરિકો સુધી પહોંચાડવાનો છે. આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.108.47 કરોડના ખર્ચે જેટકો ચોકડી ખાતે નિર્માણ પામેલ 50 એમ.એલ.ડી. ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર સ્માર્ટ સિટી ખાતે નિર્માણ પામેલ 8 એમ.એલ.ડી. ક્ષમતાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી ડેમથી જેટકો સુધી અને પુનિતનગર, 80 ફૂટ રોડથી વાવડી હેડ વર્કસ સુધીની પાઇપલાઈનના બે પ્રોજેક્ટ અને જુદા-જુદા 6 પમ્પિંગ સ્ટેશનની મશીનરીના ઓગમેન્ટેશન પ્રોજેક્ટ અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ “રૂડા” દ્વારા કુલ રૂ.95.14 કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી 22 ગામો માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ થશે.
તદુપરાંત, અમૃત 2.0 અંતર્ગત રૂ.291.49 કરોડના 22 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે, 2.0 યોજનાનો મુખ્ય હેતુ તમામ શહેરી નાગરિકો માટે શુદ્ધ પાણીની પહોંચ તથા સુએજ અને સેપ્ટેજના કવરેજમાં વધારો કરવાનો છે. જેના હેઠળ વિવિધ પ્રોજેક્ટ પૈકી રૈયાધાર ખાતે 23 એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘંટેશ્વર ખાતે 15 એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, ડેનેજ પાઈપલાઈન નેટવર્ક, હાઉસ કનેક્શન ચેમ્બર, ઉપરાંત પીવાના પાણી માટેની ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક અને બે વોટર સપ્લાય હેડ વર્કસ સહીત કુલ રર પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.