જિલ્લા કલેક્ટર દ્વારા ઉમેદવાર માટે ખર્ચના દર નક્કી કરવા બેઠક યોજી
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ઉમેદવારો માટેના ખર્ચના દર નક્કી કરવા માટે બેઠક મળી હતી. ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાનાર ચીજવસ્તુઓના ભાવ નક્કી કરવા ચૂંટણીપંચની માર્ગદર્શિકાને ધ્યાને લેવામાં આવી હતી.આ વખતે ચીજવસ્તુઓના ભાવમાં ઉમેદવારોને ચોક્કસપણે મોંઘવારી નડશે તેવું આજની બેઠક પર થયેલી ચર્ચા પરથી લાગી રહ્યું છે. બીજી બાજુ સૌથી મહત્વની બાબત એ છે કે, કોઈપણ રાજકીય પક્ષ દ્વારા તેમના ઉમેદવારો માટે ખર્ચની કોઈ મર્યાદા નથી નક્કી કરાતી, ઉપરાંત ચૂંટણી ખર્ચની જે મર્યાદા આપવામાં આવે છે, તે કરતાં ખર્ચ કયાંયે આભે પહોંચી જતો હોય છે.
લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા નિત નવી સૂચનાઓ આપવામાં આવી રહી છે. તે પ્રમાણે જિલ્લા કલેક્ટર બેઠકો યોજી રહ્યા છે. ગઈકાલે નોડેલ અધિકારીઓને લઈને બેઠક યોજવામાં આવી હતી. આજે ચીજવસ્તુઓના દર નક્કી કરવા માટેની બેઠક યોજવામાં આવી હતી.
નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18મી લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ગત વખતની જેમ આ વખતે પણ તબક્કાવાર મતદાન યોજાઈ શકે છે. વર્ષ 2019માં સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ અને અંતિમ તબક્કાનું મતદાન 19મેના રોજ યોજાયું હતું. ગુજરાતમાં ગત વખતે ત્રીજા તબક્કામાં 26 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા મતદારયાદી તૈયાર કરી દેવામાં આવી છે. નોડેલ અધિકારીઓની ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ ટીમોએ કઈ રીતે ચૂંટણીલક્ષી કામગીરી કરવાની રહેશે તે અંગે પણ સમજ આપી દેવામાં આવી છે. સૌથી મહત્વની બાબતમાં એકબીજાના સંકલનમાં રહીને કામ કરવા પર જિલ્લા કલેક્ટર એમ.કે.દવે દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે, જે સૌથી મહત્વની બાબત છે. આજની બેઠકમાં ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા ઉપયોગ કરાતી ચીજવસ્તુઓના દર નક્કી કરવા ચર્ચા થઈ હતી. ચીજવસ્તુઓના દર નક્કી કરવા ચૂંટણીપંચ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે. નાયબ ચૂંટણી અધિકારી પાર્થ કોટડીયાએ ઉમેદવારોના ખર્ચ અંગે જરૂરી વિગતો આપી હતી.
સુત્રોની વિગતો મુજબ વર્ષ 2019ની લોકસભા ત્યારબાદ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ. ખાસ કરીને ગત વિધાનસભામાં ચીજવસ્તુઓના શું ભાવ હતા તે બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. સતત વધતી મોંઘવારી ચીજવસ્તુઓના ભાવને પણ અસર કરશે. ખુરશી, ટેબલ, સ્ટેજ, શામિયાણા, સોફાસેટ સહિતની ચીજવસ્તુઓના ભાવ સામાન્ય રીતે એસઓઆર મુજબ નક્કી કરવામાં આવતા હોય છે. તે સિવાય ખાણીપીણીની ચીજવસ્તુના ભાવ માર્કેટમાં શું રેટ ચાલે છે તે ઉપરથી નક્કી થતા હોય છે. આ વખતે ફિક્સ પંજાબી કે ગુજરાતી થાળી, ચા-કોફી, નાસ્તો, મીનરલ પાણી, કોલ્ડડ્રીંક, હોટલની રૂમનું ભાડું, જનરેટર, ટયુબલાઈટ, લાઉડસ્પીકરનું ભાડું વગેરે માટે જુદીજુદી જગ્યાએથી ભાવો મંગાવ્યા બાદ ચૂંટણી માટેનો દર નક્કી કરાશે. ચા-નાસ્તાથી લઈને ઠંડા પીણા માટે ખર્ચ મર્યાદા નક્કી કરાશે. ગાડીઓ માટે પણ ખર્ચ મર્યાદા નક્કી કરાશે. ચીજવસ્તુઓના ભાવમાં ઉમેદવારોને ચોક્કસથી મોંઘવારી નડશે. કારણકે દરેક ચીજવસ્તુઓ મોંઘી બની છે. એમ કહી શકાય કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ ચીજવસ્તુઓના ભાવમાં 10 થી 15 ટકા સુધીનો તફાવત જોવા મળી શકે છે.