સુપ્રીમ કોર્ટમાં વર્ષો અગાઉ કરેલી અપિલ પાછી ખેંચવા માંગ
વિધાનસભામાં નાણામંત્રીએ કહ્યુ, ઓક્ટોબર-23માં 30 ટકા પગાર વધાર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં દોઢ દાયકાથી ચાલી આવતી ફિક્સ વેતન નીતિને હટાવીને સમાન કામ- સમાન વેતનના સિધ્ધાંતે સરકારી કર્મચારીઓના ન્યાય આપવા, શોષણને બંધ કરવા મુદ્દે મંગળવારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યે સવાલો પૂછયા હતા. જેના જવાબમાં નાણામંત્રીએ છેલ્લા બે વર્ષમાં વર્ગ- 3ના ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારવા કુલ 1,856 અરજીઓ મળ્યાનું સ્વીકાર્યુ છે. સાથે જ આવી માંગણીઓને પગલે સરકારે ઓક્ટોબર- 2023માં 30 ટકા જેટલો પગાર વધારો કર્યાની માહિતી પણ આપી હતી.
ખેડબ્રહ્માથી કોંગ્રેસના ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીએ પુછેલા સવાલના જવાબમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, વિતેલા વર્ષ 2022માં 17 જેટલી અરજી વિવિધ સરકારી યુનિયનો તરફથી અને 880 અરજી વ્યક્તિગત રીતે મળી હતી. ત્યારપછીના વર્ષ 2023માં યુનિયનો તરફથી 38 અને વ્યક્તિગત ધોરણે 921 એમ કુલમળી 959 અરજી મળી હતી. ફિક્સવેતનના કર્મચારીઓની આવી રજૂઆતોને પગલે નાણા વિભાગે 18મી ઓક્ટોબર 2023ના ઠરાવથી 1લી ઓક્ટોબર 2023ની અસરથી ફિક્સ પગારના કર્મીઓના પગારમા 30 ટકા વધારો કરવામાં આવ્યો છે.
14 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ફિક્સ-પે કર્મીઓનું આદોલન
કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાની રવિવારે મળેલી બેઠકમાં 14મી ફેબ્રઆરીથી રાજ્યભરમાં ફિક્સ-પે નીતિ સામે આંદોલનનો તખ્તો ઘડાયો છે. જેમાં 14 અને 15 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને, 16મી ફેબ્રુઆરીએ કાળા કપડા પહરીને સરકારની શોષણભરી નીતિ સામે વિરોધ પ્રદર્શન થશે. બાદમાં 23 ફેબ્રઆરીએ રાજ્યકક્ષાએ ગાંધીનગરમાં રેલીનું આયોજન કરાયુ છે.