વિરાણીના મેદાનમાં ‘શ્રીરામ પધાર્યા મારે ઘેર’ પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ
મિનિ અયોધ્યાનગરી બનાવી, શ્રીરામની પ્રતિકૃતિ મુકાઇ: ભાવિકો આરતી-મહાપ્રસાદનો લાભ લઇ શકશે
ખાસ-ખબર સંવાદદાતા
આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લાનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા ‘શ્રીરામ પધાર્યા મારે ઘેર’ પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ ‘રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુએ કરાવ્યો હતો.
અહીં અયોધ્યા-રામમંદિર જેવી આબેહૂબ 100ડ્ઢ65 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિની ઊંચાઈ 35 ફૂટ જેટલી રાખવામાં આવી છે. જે મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામની 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મુકવામાં આવી છે. જેના દર્શન કરી રાજકોટની ધર્મપ્રેમી જનતા ધન્યતા અનુભવી શકશે. રામ મેદાનમાં ઇન્દ્રભારતીબાપુએ ભગવાન રામની પ્રતિમાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ઇન્દ્રભારતીબાપુએ કહ્યું કે, આજથી 22મી જાન્યુઆરી સુધી રાજકોટના લોકોએ જે રીતે 5 દિવસનો દીપાવલીનો ઉત્સવ મનાવે છે, ઘરઆંગણે રંગોળી કરે છે, દીવડાં પ્રગટાવે, તોરણ લગાવે, રોશની કરે છે એવી જ રીતે રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પણ મનાવવાનો છે. રાજકોટમાં આવીને જોયું તો થોડો અફસોસ થયો કે અહીં હજુ દિવાળી જેવો માહોલ નથી. રામલલ્લાની મંદિરમાં પુન: પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે હવે આજથી જ દરેક હિંદુએ પોતાના ઘરે રંગોળી કરવી જોઈએ, સાંજે ઘરઆંગણે દીવડાં પ્રગટાવવા જોઈએ.
આ ઉપરાંત 22મીએ જ્યારે પ્રાણપ્રતિષ્ઠા છે તે દિવસે લોકોએ પોતાના ઘેર લાપસી કરવી જોઈએ. આપણે હિંદુઓએ વિશ્વને બતાવી દેવાનું છે કે હિન્દુત્વ અને સનાતન ધર્મ શું છે અને તે આ અલૌકિક અવસર થકી જ બતાવી શકીશું. આથી આજથી 5 દિવસ સુધી દરેક ઘરમાં રંગોળી થાય, દીવડાં પ્રગટે, રોશની થાય અને 22મી જાન્યુઆરીએ દરેક ઘરમાં લાપસી થાય તેવી રીતે દીપાવલી પર્વની જેમ જ આ મહોત્સવને ઉજવવા આહ્વાન કર્યું છે.
- Advertisement -
સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું : ઇન્દ્રભારતી બાપુ
સનાતનીઓ માટે આનંદ ઉત્સવના દિવસો છે : જેમને જે સમજવું હોય એ સમજે, કોઈ ફેર પડતો નથી
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના માટે સૌ કોઈ તૈયારીમાં લાગી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી ન આપવાનો નિર્ણય કર્યો છે. જેના પર સૌ કોઈ વિરોધ કરી રહ્યું છે. આ વચ્ચે રાજકોટમાં ઈન્દ્રભારતી મહારાજે કોંગ્રેસની ઝાટકણી કરતાં કહ્યું કે, કોંગ્રેસ કયા મોઢે રામ મંદિર પર નિવેદનો આપે છે?
રામ મંદિરના નિર્માણ અંગે વાત કરતાં ઇન્દ્રભારતી મહારાજે કહ્યું કે,કયા લખ્યું છે કે મંદિર પૂર્ણ બન્યા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય ? અગાઉ જ્યારે સોમનાથમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ વર્ષો બાદ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. કોંગ્રેસ કયા મોઢે રામ મંદિર પર પોતાના નિવેદનો આપી રહી છે.
તેમજ તેમણે કહ્યું કે, જે સનાતાનીઓએ એમ કહેતા હોય કે મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે, તેમને પૂછવા માંગુ છું સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા વખતે શા માટે નહોતા બોલ્યા?અત્યાર કોના કહેવાથી વિરોધ કરવા નીકળ્યા છો ?
સનાતની અંગે વાત કરતાં ઇન્દ્રભારતી મહારાજે કહ્યું કે, આ દરેક સનાતનીઓ માટે આનંદ ઉત્સવના દિવસો છે. જેમાં જેમને જે સમજવું હોય એ સમજે, કોઈ ફેર પડતો નથી. આ હિંદુઓ માટે ઉત્સવનો સમય છે. જેનાથી સૌ કોઈએ ખુશ થવાની જરૂર છે.
- Advertisement -
આજે રામડાયરો, કાલે અઘોરી મ્યુઝિકનો કાર્યક્રમ
શ્રીરામના પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજકોટ ખાતે આજે રાત્રીના 8:30 કલાકે એક ભવ્ય રામડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર યોગેશભાઈ બોક્સા સાહિત્યરૂપી રસપાન કરાવશે. 19 જાન્યુઆરીએ ‘શ્રીરામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવ હેઠળ રામ મેદાન, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8:30 કલાકે મનમોહક અઘોરી મ્યુઝિકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે મ્યુઝિક સાંભળવું એક લહાવો છે. જેનું સાક્ષી રાજકોટ બનવા જઈ
રહ્યું છે.