રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના યજમાન પદે અને રાજકોટ શહેરના સર્વ જ્ઞાતિ સમાજના લાભાર્થે
આપણા સૌના હૃદયમાં રામનું મંદિર બને – આ છે ભાગવત ના રામ: રામ નામ બીજ બ્રહ્મસમાન છે, વેદવ્યાસજીના ભાગવત મિષ્ટાનમાં રામાયણની મીઠાશ છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના યજમાન પદે અને રાજકોટ શહેરના સર્વ જ્ઞાતિ સમાજના લાભાર્થે રાજકોટની પુણ્યશાળી ભૂમિ રેસકોસ ગ્રાઉન્ડ અયોધ્યા નગરી ખાતે તારીખ 17 થી 24 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 3:30 થી સાંજના 07:30 સુધી અનોખી ભાગવત કે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે કથાના પ્રથમ દિને વ્યાસપીઠેથી સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાએ ભાગવતમાં રામાયણનું દર્શન કરાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, વિશાળ કથા મંડપમાં શ્રોતાઓની અકડેઠઠ હાજરી હતી.
કથા પ્રારંભ પૂર્વે મનોરથિ રામભાઈ મોકરીયાએ આ કથાના આયોજન બાબતે વક્તવ્ય આપતા કહ્યું કે આ કથા સર્વ માનવીઓના કલ્યાણ અને સેવા માટે છે આ કથામાં પંચનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી દેવાંગભાઈ માંકડના સહયોગની નોંધ લઈને કહ્યું કે, પંચનાથ મંદિર હોસ્પિટલના સેવા કાર્યો પ્રસંસનીય છે, હજારો ગરીબ દર્દીઓ, મૂંગા પશુઓની વિનામૂલ્યે સારવાર કરે છે, આવી સેવાભાવી સંસ્થાઓને દાન આપવા મોકરીયા મોકરીયા ભાઈએ અપીલ કરી હતી. ભાગવત કથામાં મંગલા ચરણમાં પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે, આ અનોખી કથા ધર્મ સંદેશની આસ્થા ચેનલ પર લાખો લોકો શ્રવણ કરી રહ્યા છે, રાજકોટની અયોધ્યા નગરીમાં યોજાયેલ કથામાં ભાગવત અને રામાયણ ભેગા થાય છે, આપેલ સૌ ભાવથી ભેગા થઈને સત્સંગ કરીએ, ભાઈશ્રીએ અયોધ્યાના અદભુત રામ મંદિરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, સેકડો વર્ષોના સંઘર્ષ, અનેકના બલિદાન પછી અદભુત રામનું મંદિર નિર્મિત થયું છે, જેમાં 22 જાન્યુઆરીએ રામલલ્લા બિરાજમાન થશે ત્યારે રાજકોટની ભાગવત કથાના પ્રાંગણમાં રામલલાની પધરામણીને ધામધૂમ પૂર્વક વધાવીશું.
પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, ભાગવતમાં રામ ક્યાંથી આવ્યા? તેનો ઉત્તર આપતા તેમણે શ્રોતાઓને સમજ આપી કે, વેદવ્યાસજી લેખિત-રચિત ભાગવતના 9 મા સ્કંધમાં 10 અને 11 અધ્યાય ભગવાન શ્રીરામના વનવાસ થી શરૂ થતું રામચરિત રામાયણ છે.
કાલે પ્રથમ દિવસે કથા પ્રવાહ દરમ્યાન જણાવ્યું કે, વેદવ્યાસે રામની બે અધ્યાયની કથા જનસધારણ સમજી શકે એવી લોક ભાષામાં રજૂ કરી છે, વિદેશોમાં રામાયણનું મહત્વ છે. ભારતમાં ગાંધીજીના રામના માર્ગે, સત્યના માર્ગે કરેલા સત્યાગ્રહો સફળ થયા, રામનામમાં ઊંડાણ છે, રામનું નામ સહસ્ત્ર નામ બરાબર છે, આપણે દવા વિશ્વાસથી પીએ છીએ તેમ રામનું નામ વિશ્વાસથી લેવું, રામનું નામ બ્રહ્મસમાન છે, વાલ્મિકીના રામ ભગવાનના રૂપમાં છે અને તુલસીદાસના રામ માનવ રૂપમાં છે, આપણા દેશમાં ત્યાગ નો મહિમા છે, રામનો ત્યાગ માનવ સમાજ માટે આદર્શ છે. આપણા સૌના હૃદયમાં રામ મંદિર બને, આ કથા છે ભાગવતના રામની, જે રામના વનવાસ પછી શરૂ થાય છે, જ્ઞાન, વૈરાગ્યનું સ્થાપન કરે એવી આ ભાગવત કથા છે, આ ભાગવતના મિષ્ટાનમાં રામાયણની મીઠાશ છે.