રાજકોટ જિલ્લાના 47 ગામોને આવરી લેવાશે.
સણોસરા ખાતે રૂ. 16 કરોડના અને બામણબોર ખાતે રૂ. 5 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા કામોનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કર્યુ નિરીક્ષણ
ખાસ-ખબર સંવાદદાતા
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે રાજકોટ જિલ્લાના 47 ગામોને પીવાના પાણીની સુવિધા વધારતી મચ્છુ સુધારણા યોજનાના સણોસરા હેડવર્કસ ખાતે રૂ.16 કરોડના ખર્ચે હાથ ધરાયેલા કામનું નિરીક્ષણ કરી સમય મર્યાદામાં કામગીરી થાય તે માટે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું મચ્છુ જૂથ સુધારણા યોજના વિસ્તારવામાં આવી છે, અને આ નવી યોજનામાં 15 એમએલડી પાણીની ક્ષમતા છે. મચ્છુ 1 ડેમથી સણોસરા હેડ વર્કસ ખાતે પાણી લાવી શુદ્ધિકરણ કરી પ્રતિ વ્યક્તિ 60 લીટર પ્રતિ દિવસ મુજબ હાલની યોજનાથી પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે. હવે આ નવી યોજનાને લીધે પ્રતિ વ્યક્તિ 100 લીટર પ્રતિ દિવસ પાણી આપી શકાય તે માટે નર્મદા આધારિત સુધારા પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે. હૈયાત યોજનાના છેવાડાના ગામો ખાસ કરીને ફાળદંગ ઝોન હેઠળના 13 ગામોમાં પાણી પૂરતું મળી રહે તેવું આયોજન છે.
આ નવા કામોમાં સીંધાવદરના સંપમાંથી પાણી મેળવી આ યોજના અંતર્ગત અલગ સંપ બનાવી પંપીંગ કરી સણોસરા હેડ વર્કસ સુધી 11,500 મીટર લંબાઈની લોખંડની પાઇપ લાઇન ફીટ કરવામાં આવશે. સણોસરા ખાતે 15 એમ.એલ.ડી. નો શુદ્ધિકરણ પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. સણોસરાથી કુવાડવા સંપ સુધી 10 કિ.મી. લંબાઈની લોખંડની પાઇપ લાઇન, નવો સંપ અને પંપહાઉસ તેમજ નવી મશીનરીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મંત્રીએ મચ્છુ 1 ડેમ આધારીત બામણબોર પાણી પુરવઠા યોજનાના બામણબોર ખાતે ચાલતા પાંચ કરોડના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ યોજનાથી બામણબોર, ગુંદાળા, જીવાપર, ગારીડા અને નવાગામ બામણબોરને પીવાનું પાણી મળશે. બામણબોર ખાતે ત્રણ લાખ લિટર ક્ષમતાની ટાંકી તેમજ 20 લાખ લીટર ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. 30 કિલોમીટર દૂરથી અહીં પાણી પહોંચાડવામાં આવશે. બામણબોર ગામના અગ્રણી હરેશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓએ રાજ્ય સરકાર દ્વારા પાણી માટે કરાયેલી વિશેષ વ્યવસ્થાને આવકારી મંત્રીનું સ્વાગત કર્યું હતું. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આ મુલાકાત વેળાએ સણોસરા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઈ તેમજ કુવાડવાના અગ્રણી સંજયભાઈ પીપળીયા તેમજ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર એચ.બી. જોધાણી, રાજકોટના મામલતદાર શ્રી કથીરિયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.