આ ફિલ્મમાં કોઈ સુપરસ્ટાર નથી, ફિલ્મ ખુદ સુપરસ્ટાર છે
આ વાત છે ઈંઙજ મનોજ કુમાર શર્માની જે આજકાલ ખૂબ ચર્ચામાં છે. ઈંઙજ મનોજ કુમાર શર્માનો જન્મ 1977માં મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં સ્થિત એક નાનકડા ગામ બિલગાંવમાં થયો. તેમને જીવનની સામાન્ય જરૂરિયાતો માટે બાળપણમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો. ઘરની ખરાબ આર્થિક સ્થિતિ અને તેમને અભ્યાસમાં પણ ખાસ રસ નહોતો જેમતેમ કરીને શાળાનું શિક્ષણ પૂરું કરી શક્યા હતાં. ત્યારબાદ જીવનમાં એવાં વળાંકો આવ્યાં કે તેઓ ઈંઙજ બની ગયાં!
તેમના જીવન પર બનેલી બોલિવૂડ ફિલ્મ ’12મી ફેલ’ ઑટીટી પર ધૂમ મચાવી રહી છે, જેમાં મનોજ શર્માના વાસ્તવિક જીવન સંઘર્ષ, હિંમત, કુટુંબજીવનનાં નાજુક તાણાવાણા, પ્રેમ અને સફળતાની કહાણી બતાવવામાં આવી છે. આ ફિલ્મને દર્શકોનો અવિરત પ્રેમ મળી રહ્યો છે. વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત આ ફિલ્મમાં અભિનેતા વિક્રાંત મેસીએ આઈપીએસ મનોજ કુમાર શર્માની ભૂમિકા ભજવી છે.અને તેની પ્રેયસી શ્રદ્ધા જોષીની ભૂમિકા મેધા શંકરે ભજવી છે.
સતત ગમતું અને નવું પીરસવાના આ યુગમાં જ્યાં ફિલ્મ મેકર્સ, સામાજિક નિસ્બતને અનુસરવા અને ન અનુસરવા વચ્ચે ગોળ ગોળ ઘૂમી રહ્યો છે અને આજનાં સમાજમાં પ્રમાણિકતાની સરખામણીએ સાચા-ખોટા, યેનકેન પ્રકારે પોતાનું કામ કઢાવી લેવાની ચાલાકીને હોશિયારી ગણવામાં આવે છે ત્યારે ફિલ્મ ‘12વિં ફેઈલ’ પ્રમાણિકતાને જીવનની સફળ ચાવી તરીકે સ્થાપીને માનવીય ગુણોની ઉજવણીની વાત કરી જાય છે.
ધરતીથી જોડાયેલ છેવાડાની વ્યક્તિની વાતો આજકાલ ફિલ્મોમાં પોતાની જગ્યા ગુમાવતી જાય છે ત્યારે વિધુ વિનોદ ચોપરા એ બતાવવામાં સફળ થયાં છે કે કેવી રીતે મધ્યપ્રદેશના સાવ નાનકડા ગામડામાં, ગરીબી વચ્ચે જીવતો એક કિશોર દેશની અતિ કઠિન ગણાતી પરીક્ષામાં ઉત્તીર્ણ કરી કરીને ગરીબી અને ભ્રષ્ટાચાર સામેની તેની લડાઈ જીતી જાય છે.
વાસ્તવિક જીવનના પાત્ર પર આધારિત આ ફિલ્મનો હીરો ચંબલનો એક છોકરો છે જે તેના પિતાને તેની પ્રામાણિકતા માટે સજા કરવામાં આવે ત્યારે બંદૂક ઉપાડતો નથી.જ્યારે તે અને તેનો ભાઈ રોજીરોટી મેળવવાનો પ્રયાસ કરે છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય તેના પૈડા અટકાવે છે ત્યારે તે પ્રતિકૂળ કે ઉગ્ર થતો નથી. તેના બદલે, એક પ્રામાણિક પોલીસ અધિકારી (પ્રિયાંશુ ચેટર્જી), પાસેથી પ્રેરણા લઈને કલમ ચલાવી ફાળવેલ સમયમાં પોતાનું ભાગ્ય લખવાનું શીખે છે જેથી તે પણ યુનિફોર્મ પહેરી શકે અને પ્રપંચી સિસ્ટમને રસ્તે લાવી શકે. છેતરપિંડી, અનિતી, ભ્રષ્ટાચાર આ બધું તેની આસપાસના વાતવરણનો પ્રબળ પરિબળ છે છતાં મનોજ તેના પિતા (હરીશ ખન્ના) અને દાદી (સરિતા જોષી) દ્વારા આત્મસાત કરાયેલ પ્રામાણિકતાને અનુસરે છે.
પટકથાકાર કથનબોધ કે ઉપદેશત્મકાથી બચ્યા છે. એક બોજારૂપ હાડમારી ભર્યા જીવનના સંઘર્ષોની રોકડી કરી લેવાને બદલે તે સહેલાઈ આ છોકરાના નિશ્ચય અને હકારાત્મક દૃષ્ટિકોણને વ્યક્ત કરે છે. સંયમિત કથાનક સ્ટોરીટેલીંગનાં કેટલાક વ્યાપક પાસાઓને સંતુલિત કરે છે. જનતાને અજ્ઞાન રાખવા માટે રાજકીય આશ્રય હેઠળ કામ કરતા ઠગ માફિયા હોય કે સામાન્ય માણસને ભાવનાત્મક આઘાતો આપતું રહેતું અત્યંત ધીમુ ન્યાયચક્ર ચોપરાએ રોજબરોજના ભેદભાવ અને અમાનવીયીકરણને સમજદારીપૂર્વક બહુ બારીકીથી કંડાર્યું છે. આ નેગેટિવ એલીમેન્ટ ક્યારેક, વંચિતોને પાવરફુલ પદ માટે આકર્ષીને તાકાતરૂપે બહાર આવે છે એ અહીં સરસ રીતે નિરુપાયું છે.
- Advertisement -
ફિલ્મનું ભાવનાત્મક પાસું ખૂબ સબળ છે, અનેક ભાવનાત્મક દ્રશ્યો દર્શકોની આંખ ભીંજવી જાય છે
IPS મનોજ શર્મા જેવા સંઘર્ષવિરની કથા આપણને ત્યારે જ જાણમાં આવે છે, જ્યારે તેના પર ફિલ્મ બને!
વિક્રાંત, જે પોતાની આંખો દ્વારા એક જ ફ્રેમમાં અનેક લાગણીઓ વ્યક્ત કરવામાં માહિર છે. એના અભિનયમાં પરિપક્વતા છે. ગામડાના છોકરાની આંખોમાં હોય એવું વિસ્મય, કથાને અનુરૂપ પાત્રનું નિર્દોષપણું, સચ્ચાઈ અને પ્રમાણિકતા એની આંખોથી છલકાય છે. ઈરફાન ખાન જેટલી સહજતાથી તેણે અહીં અભિનય કર્યો છે. ફ્લોરમિલમાં અનાજ દળતો મનોજ, લાઇબ્રેરીમાં કામ કરતો મનોજ, ઈંઙજ ઇન્ટરવ્યુમાં જતો મનોજ… બધે જ તેની અભિનય વૈવિધ્યતા જોવા મળે છે. મેધા રાવલનો અભિનય ખૂબ જ સ્થિર અને ભાવવાહી છે. પાત્રને એકદમ પરફેક્શન સાથે તાદ્રશ્ય કરવામાં તે સફળ છે.
ફિલ્મનું ભાવનાત્મક પાસું ખૂબ સબળ છે. અનેક ભાવનાત્મક દ્રશ્યો દર્શકોની આંખ ભીંજવી જાય છે. એક દ્રશ્યમાં, ભ્રષ્ટાચાર સામે એકલે હાથે લડત આપતાં, સિસ્ટમની ક્રુરતાનો સામનો કરી કરીને ભાંગી ગયેલ પિતા કહે છે કે આપણે આ યુદ્ધ નહીં જીતી શકીએ ત્યારે મનોજ કહે છે, પરંતુ આપણે હાર પણ ન સ્વીકાર શકીએ ને! એ જ રીતે, પોતાને અંતહીન, અનંત સંઘર્ષમાં પામીને મનોજ, અને તેની માતા (ગીતા અગ્રવાલ શર્મા) એક સાથે રડે છે તે દ્રશ્ય! મસૂરી શ્રદ્ધાને ઘેર ગયેલાં મનોજનો હ્ર્દયાઘાત… આ બધા સીન્સ ઇમોશનલનો ઓવરડોઝ નથી પણ ખૂબ જ વાસ્તવિક છે તેથી હૃદયને સ્પર્શી જાય છે.
સિનેમેટોગ્રાફર રંગરાજન રામબદ્રન સૂકીભઠ્ઠ ચંબલ તેમજ નવી દિલ્હીના મુખર્જીનગરને વાસ્તવ આબેહૂબ કેપ્ચર કરે છે. સિવિલ સર્વિસની તૈયારી કરતાં સ્ટુડન્ટથી ધમધમતો આ વિસ્તાર એકદમ વાસ્તવિક છે. બેકગ્રાઉન્ડ સ્કોર અસરકારક છે જે વાર્તાતત્વને અનુરુપ વાતાવરણ ઉભું કરવામાં સફળ છે.
2023ની આ બોલિવૂડ મુવી, સભાન પ્રયત્ન વગર તેની સાથે કનેક્ટ થઈ શકીએ એવી ફિલ્મોમાંની એક છે. આ ભાવનાત્મક વાર્તામાં કોઈ મોટા સેટ-સીનરી કે મોટા કલાકારો નથી પરંતુ આ ફિલ્મ પોતે જ સુપરસ્ટાર છે. અહીં વાસ્તવિક લોકો વાસ્તવિક લાગણીઓ અને અદ્ભુત કલાકારો છે. 12મી ફેઈલ 100 % સાથે પાસ ગણી શકાય એવી ફિલ્મ છે.
ઉપરાંત, આ ફિલ્મ આપણને એ ભાન કરાવે છે કે આપણી બારીની બહાર જીવાતાં કેટલાંય જીવન કેવા સંઘર્ષપૂર્ણ અને હાડમારી ભરેલા હોય છે. સતત દુ:ખની ફરિયાદ કરતાં આપણને આ ફિલ્મ અંદરથી હલાવી નાંખે છે. જકજોરી નાંખે છે. અલબત્ત, દુ:ખની વાત એ પણ છે કે ઈંઙજ મનોજ શર્મા જેવા સંઘર્ષવિરની કથા આપણને ત્યારે જ જાણમાં આવે છે, જ્યારે તેના પર ફિલ્મ બને! ઈન્ટરનેટ અને માહિતીના આ યુગમાં આપણે સારી સારી વાતો ફેલાવવાને બદલે રિલ્સ, બેતુક્કા જોક્સ અને ગંદકી જ ફેલાવીએ છીએ ને!