નિયમો વિરુદ્ધ પ્રવેશ પ્રક્રિયા લેવાતી હોવાનો આક્ષેપ
પ્રવેશ પ્રક્રિયાનો અંતિમ તબક્કો રદ કરવા માંગણી કરતા રોહિતસિંહ રાજપૂત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે યોજાનાર પીએચડીની પ્રવેશ પ્રવેશ પ્રક્રિયામાં ઇચ્છુક વિદ્યાર્થી ઉમેદવારોએ એન્ટ્રેન્સ ટેસ્ટ અને મેરીટ ટેસ્ટ આપ્યા બાદ જે તે વિષયો પ્રમાણે ભરવાપાત્ર જગ્યાઓ અને મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ છેલ્લા બે દિવસથી ડીઆરસી શરૂ થઇ છે ત્યારે પ્રવેશ પ્રક્રિયામાં અમુક ગંભીર ભૂલો શિક્ષણજગતમાં ચર્ચાઈ રહી છે કે જેથી અનેક ઉમેદવારોને સીધો અન્યાય થયાનું ધ્યાને આવતાં પ્રવેશ પ્રક્રિયાનો અંતિમ તબક્કો રદ કરવા માંગ કરવામાં આવી છે. જે તે વિષયોમાં યુ.જી.સી.ની ગાઇડલાઇન મુજબ અનામત સીટોનુ રોટેશનના નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. જેથી જે તે વિષયોમાં ભરવા પાત્ર જગ્યાઓ સામે કેટેગરી મુજબ પ્રવેશ આપવો જોઈએ અન્યથા સમગ્ર ભરતી ગેરલાયક ઠરે, તથા યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયાની પહેલા જે તે વિષયોમાં ભરવા પાત્ર જગ્યાઓ મુજબ પ્રવેશ આપવામાં નથી આવ્યો. ઉદાહરણ તરીકે ગઈકાલે ઇતિહાસ ભવનમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું અંતિમ લિસ્ટમાં કુલ 6 જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો અને યુનિ.એ જાહેર કરેલ લિસ્ટમાં 7 જગ્યાઓ પ્રવેશ આપવા પાત્ર દર્શાવી હતી! તો આ એક સીટમાં કેમ કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં ના આવ્યો? કે પછી પાછલા દરવાજે ઓળખીતાને ભરવા ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે?
નિયમ મુજબ અંતિમ મેરીટ લિસ્ટ એટલે કે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના લિસ્ટમાં માર્ક્સ (એન્ટ્રેસ્ટ, મેરીટ, ઉછઈ) દર્શાવ્યા વગર જ મુકવામાં આવ્યું. જેથી તે શંકા ઉપજાવે કે તે મેરીટ મુજબ પ્રવેશ નથી આપવામાં આવ્યો અને વ્હલા દવલાંની નીતિથી અમુક ઉમેદવારોંને ધરાર ઘુસાડ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.
યુનિવર્સિટીના ઠરાવોમાં થયેલા નિયમ મુજબ અંતિમ મેરીટ લિસ્ટ માર્ક્સ સાથે જાહેર કરવાનું થતું હોય જેમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓમાં અંતિમ લિસ્ટ બાદ વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવાનું થતું હોય છે જેથી જૂન મહિનામાં કોઈ ગાઈડ પાસે ખાલી જગ્યાઓ પડી હોય તો આ ઉમેદવારોને બીજા તબક્કામાં તક મળી શકે. જેથી આ નિયમ પાલન નહિ થયા પાછળ શંકા ઉપજાવે કે હાલ જે જગ્યાઓ ભરવા પાત્ર છે તે પણ પૂર્ણ નથી ભરી તેમજ જૂન મહિનાના તબક્કામાં ખાલી સીટોમાં મળવા પાત્ર પ્રવેશમાં ઓળખીતાને જ ઘુસાડાવવા આ કારીગરાઈ કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત, યશ ભીંડોરા, રાજ શીંગાળા, મોહીબ સેતા, બારડ પ્રદ્યુમન સહીત અનેક વિદ્યાર્થીઓ કાર્યકરો જોડાયા હતા અને રજિસ્ટારને રજુઆત કરી આ ભરતીનો અંતિમ તબબકો રદ કરવા ઉગ્ર માંગ કરી હતી.