મામા-માસીનાની ભરતી કરવી છે પણ થતી નથી: વિપક્ષનો આક્ષેપ
હાઉસ ટેક્સમાં વ્યાજની 100% માફીનો ઠરાવ
- Advertisement -
મનપામાં ઑનલાઈન પરીક્ષા સાથે 700 લોકોની ભરતી થશે – શાસક
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં વિપક્ષે મહાનગર પાલકીમાં 780 કર્મચારીની જગ્યા ભરવા બાબતે શાસક પક્ષ પાસે જવાબો માંગી એવો આક્ષેપ કર્યો હતો કે, મનપાએ ગૌણ સેવા પસંદગી મંડળને સત્તા આપી હતી ત્યારે હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્થાનિક લેવલે ભરતી પ્રક્રિયાનું જણાવતા હવે સ્થાનિક લેવલે મામા માસીની ભરતી કરવાનો ડખ્ખો છે મનપામાં ભરતી થતી નથી જેના લીધે શહેરના અનેક કામો ખોરંભે ચડયા છે અને લોકોને ધક્કા ખાવા પડે છે તેમજ વિપક્ષના લલિત પરસાણાએ વોંકળા દબાણ મુદ્દે પણ ચર્ચા કરીને જે માપણી સીટ આવી ગઈ છે છતાં 134 લોકોને નોટિસ આપી છે તેના નામ જાહેર કરતા નથી આગામી જનરલ બોર્ડમાં પણ માંગ કરી હતી. આમ વોંકળા દબાણમાં પણ છાવરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. જૂનાગઢ મનપા જનરલ બોર્ડમાં શાસક પક્ષે શહેરમાં બાકી વેરો ભરવા બાબતે એક ઠરાવ કર્યો હતો. જેમાં હાઉસટેક્સમાં 6 મહિના સુધી 100 ટકા વ્યાજ માફી કરી દેવામાં આવશે તેવો ઠરાવ કર્યો હતો તેમજ મનપામાં ભરતી મુદ્દે ડે.મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, મહાનગર પાલિકામાં 700 જેટલી ભરતી કરવામાં આવશે. તે નિયમ અનુસાર કરવામાં આવશે જેમાં રાજ્ય સરકાર જે એજન્સી નક્કી કરશે તે મુજબ થશે અને ઓનલાઇન પરીક્ષા આપીને ભરતી કરાશે જેથી કરીને શાસક પક્ષ પર કોઈ આક્ષેપ ન થાય તેમજ ગૌરવ પથ માટે 22 કરોડના ખર્ચે જે બનવાનો છે તેમાં રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ બનશે. હાલ રાજ્ય સરકારે તમામ મહાનગરોને ગૌરવ પથ બનાવા માટે સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી છે. જયારે મોતીબાગનો ગૌરવ પથ માટે એગ્રિકલચરની જમીન લેવાની તેમાં પણ એગ્રીને રૂપિયા ચુકવાના થશે તેની સાથે ગૌરવ પથને સિમેન્ટ કોન્ક્રીટની દીવાલ સાથે બનાવામાં આવશે.
આપ નેતાના આંદોલનમાં ભાજપ નેતાની ગુફ્તગૂ
જૂનાગઢ ઝાંઝરડા રોડ પરના ગટરના ઢાંકણા રોડ લેવલથી ઊંચા હોવાના કારણે જૂનાગઢના આશાસ્પદ યુવાનનું અકસ્માત થતા મૃત્યુ નિપજતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આ ઘટના મામલે આપ નેતા તુષાર સોજીત્રાએ ગઈકાલ ઝાંઝરડા રોડ બંધ રાખી ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારે આ આંદોલનની ચીમકી ઉચ્ચારી લોકોના ટોળા એકઠા થયા હતા તેમાં ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશીયા જોવા મળ્યા હતા અને તુષાર સોજીત્રા અને રાકેશ ધુલેશીયા વચ્ચે કાનમાં ગુફ્તગૂહ થયાનો વિડિઓ વાયરલ થતા શહેરમાં ચર્ચાનો દોર શરુ થયો હતો.



