ક્વાડ બેઠક સાથે મોદી-બાઈડેનની દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ

 બાઈડેને ભારતના કોરોના રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરી

ખાસ-ખબર સંવાદદાતા
રશિયા-યુક્રેન યુદ્ધના પગલે ભારત અને અમેરિકાના સંબંધો કથળ્યા હોવાની અફવાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ જો બાઈડને મંગળવારે વધુ સમૃદ્ધ, મુક્ત અને સુરક્ષિત વિશ્વ માટે સાથે મળીને કામ કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. અમેરિકન પ્રમુખ બાઈડને કહ્યું કે, ભારત-અમેરિકાની મિત્રતા વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સારી તાકતના રૂપમાં ચાલુ રહેશે.હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બાઈડેને યુક્રેન વિરુદ્ધ રશિયાના ‘અનુચિત યુદ્ધ’ની ટીકા કરી હતી.

અમેરિકન પ્રમુખે યુક્રેન પર રશિયાના આક્રમણની અસરો અને આખી દુનિયા પર તેની પડી રહેલી અસરો અંગે પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી. મોદી-બાઈડેને બંને દેશોના લાભ માટે આર્થિક સહયોગને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા, મહામારીનો સામનો કરવાની તૈયારી અને મહત્વપૂર્ણ તેમજ ઊભરતી ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભાગીદારીને વિસ્તારવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.