પુરવઠા વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાની વેપારી પેઢીઓના સ્ટોકની તપાસ કરાઇઃવધારાના જથ્થાનો ૩૦ દિવસમાં નિકાલ કરવા સૂચના
રાજકોટ તા. ૧૭ જુલાઇ – જિલ્લા પુરવઠા આધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયા મુજબ રાજયસરકારના આવશ્યક ચીજવસ્તુ સુધારા આદેશ-૨૦૨૧ અન્વયે ૩૧ ઓકટોબર-૨૦૨૧ સુધી ચણા કે ચણાની દાળ, તુવેર કે તુવેરની દાળ અને અડદ કે અડદની દાળના હોલસેલર માટે ૨૦૦ મેટ્રિક ટન(એક કઠોળ માટે વધુમાં વધુ ૧૦૦ મેટ્રિક ટનની મર્યાદાની શરતે) રીટેઇલર માટે પાંચ મેટ્રિક ટન અને મીલર્સ માટે છેલ્લા ત્રિમાસિક ઉત્પાદન જેટલું અથવા વાર્ષિક સંગ્રહ મર્યાદાના ૨૫ ટકા પૈકી જે વધુ હોય તેના સ્ટોકનો ૩૦ દિવસની અંદર નિકાલ કરવાનો રહેશે.
૧૬ જુલાઇ-૨૦૨૧ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા રાજકોટ જિલ્લાની વિવિધ વેપારી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી., જેમાં દેશી કે કાબુલી ચણાના હોલસેલર ભેડા બ્રધર્સ, તરઘડી, તા. પડધરીની પેઢીની તપાસ કરતાં સ્ટોક લિમિટ કરતાં ૩૬૧ મેટ્રિક ટન ચણા વધુ જણાયા હતા. જયારે તુવેરના આયાતકર્તા સુદર્શન ઇન્વેસ્ટમેન્ટ, દાણાપીઠ, રાજકોટ ખાતે તપાસ દરમ્યાન સ્ટોક લિમિટ કરતાં ૧૯૫..૧૪ મેટ્રિક ટન તુવેરનો વધુ જથ્થો અને ચણાના હોલસેલર મેસર્સ તાજ ઇમ્પેકસ લિમિટેડ, બેડી માર્કેટીંગ યાર્ડ, રાજકોટની પેઢીમાં તપાસ કરતાં સ્ટોક લિમિટ કરતાં ૨૦૦.૭૫ મેટિક ટનનો વધુ જથ્થો મળી આવેલ છે. આ તમામ જન્સીઓમાં રહેલા નિયત મર્યાદા કરતાં વધારાના જથ્થાનો ૩૦ દિવસમાં નિકાલ કરવા સંબંધિત પેઢીને સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
દેશી અને કાબુલી ચણાના હોલસેલર એચ. ભેડા બ્રધર્સ, તરઘડી, તા. પડધરી, ચણા/અડદ/તુવેર/મગના હોલસેલર રઘુલીલા એગ્રો પ્રોપ્રાઇટર પ્રાઇવેટ લિમિટેડ, મુ. પરાપીપળિયા, તા. રાજકોટ અને ચણાનો જથ્થાબંધ વેપાર કરતી સોમનાથ ટ્રેડીંગ કંપની, બેડી માર્કેટીંગ યાર્ડ, રાજકોટની પેઢીની તપાસ કરતાં તપાસણી સમયે સ્ટોક મર્યાદા કરતાં વધુ જથ્થો જણાયો નથી, તેમ કલેકટર કચેરીની પુરવઠા શાખાની યાદીમાં જણાવાયું છે.


